ગાંધીધામ નજીક પોલીસે ફિલ્મી ઢબે દારૂ પકડી પાડયો
copy image

ગાંધીધામની ભાગોળે ધોરીમાર્ગ પરથી પોલીસે ફિલ્મી ઢબે અને કારનો પીછો કરી રૂા. 9000ના શરાબ સાથે બે શખ્સોને પકડી પાડયા હતા. ગાંધીધામની સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમ્યાન ગણેશનગર બાજુથી સિલ્વર રંગની કારમાં દારૂ ભરી બે શખ્સ પડાણા બાજુ જવાના હોવાની પૂર્વબાતમીના આધારે એફ.સી.આઈ. ગોદામ પાસે વોચ ગોઠવાઈ હતી. દરમ્યાન આ કાર આવતાં તેને હાથના ઈશારે અને સીસોટી વડે રોકવાની કોશિશ કરાઈ હતી. કારના ચાલકે ડિવાઈડરમાં ગાડી ભટકાવી નાસી ગયો હતો. પડાણા બાજુ જતાં ધોરીમાર્ગ ઉપર આગળ આ કાર, પાછળ પોલીસ હતી. આરોપી નાસી ન જાય તે માટે પોલીસે આડશ મુકાવી ટ્રાફિકજામ કરાયો હતો ત્યારે પણ આરોપીએ ડિવાઈડરમાં ગાડી ભટકાવી પોતાનું વાહન મૂકી નાસી જવાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસે ગળપાદરના રવીન્દ્રસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ વાઘેલા અને પડાણાના મહેન્દ્રસિંહ ઉર્ફે મનુભા વિઠુભા વાઘેલાને પકડી પાડયો હતો. આ કારમાંથી રૂા. 9000નો અંગ્રેજી દારૂ હસ્તગત કરાયો હતો. દારૂનો આ જથ્થો ગણેશનગરના ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદે પાસેથી લઈ આવ્યા હતા.