ગાંધીધામમાં સાર-સંભાળ માટે આપેલ પ્લોટને બારો બાર વેચી દેવાયો
ગાંધીધામમાં આવેલો પ્લોટ એક મુંબઇગરાએ ગાંધીધામના શખ્સને સાર-સંભાળ માટે આપ્યા બાદ આ શખ્સે બારોબાર તેના ખોટા દસ્તાવેજ બનાવી અન્યને વેચી મારી ત્યાં ઓરડી બનાવી ભાડે ચડાવી દેવામાં આવી હતી, જે અંગે ગાંધીધામના ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. મુંબઇમાં સાયન વેસ્ટમાં રહેનારા પ્રકાશ ગુલાબરાય કુરાણીએ ગાંધીધામના પરેશ કિશોર ભગતાણી, અશોક ધીરામલ મોતિયાણી અને રાકેશ હંસરાજ ટહેલ્યાણી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી આધેડના પિતા ગુલાબરાય ઝુમરોમલ કુરાણી અને મોટાબાપા હીરાનંદ કુરાણીએ સંયુક્ત રીતે ગાંધીધામના વોર્ડ નં. 8-એમાં પ્લોટ નંબર 316વાળો લીધો હતો. બાદમાં વર્ષ 2000માં હીરાનંદ અવસાન પામતાં પ્લોટના વારસદાર નીતા ઉર્ફે સપના રાજુ લખાણી અને ગુલાબરાય બન્યા હતા. ખાલી પડેલા પ્લોટની સાર-સંભાળ માટે ફરિયાદીના પિતાએ ગાંધીધામના પરેશ કિશોર ભગતાણીને રૂા. 3 લાખ આપ્યા હતા અને જે અંગે વર્ષ 2008માં નોટરી સમક્ષ લખાણ પણ કરાયું હતું. બાદમાં શખ્સ પરેશ ભગતાણીએ અશોક ધીરામલ મોતિયાણી સાથે મળી તેના નામનો પઝેશન લેટર બનાવી નોટરી કરાવી ફરિયાદીની જાણ બહાર પ્લોટનો કબજો અશોકને આપી દીધો હતો. અશોકે જમીન ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવી તેને ભાડે આપી દીધી હતી, જેથી ફરિયાદી અને તેમના પિતા પહેલાં પરેશને મળતાં તેણે ધાકધમકી કરી હતી. બાદમાં અશોકને મળતાં તેઓ ખોટા દસ્તાવેજ બનાવી હવે આ મિલકતમાં પગ મૂકશો, તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ આરોપીએ મિલકત રાકેશ હંસરાજ ટહેલ્યાણીને આપી હતી, જેથી ફરિયાદી અને તેમના પિતા આ શખ્સને મળવા જતાં શખ્સે બીજીવાર આવતા નહીં અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગે વર્ષ 2008માં કોર્ટમાં દાવો કરાયો હતો, જેમાં કોર્ટે શખ્સોએ ખોટી રીતે કબજો કરી ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરી સરકારની સ્ટેમ્પ ડયૂટીની ચોરી કર્યા અંગે અશોક મોતિયાણીને રૂા. 44,00,000નો દંડ ફટકાર્યો હતો. અશોક મોતિયાણીએ આ ચુકાદાને પડકારી હાઇકોર્ટમાં જતાં ત્યાં પણ અરજી રદ્દ કરવામાં આવી હતી. બાદમાં ફરિયાદી અને તેમના પરિવારજનોએ આ મિલકત રાજેશભા વાલાભા ગઢવીને વેચાણ અર્થે આપી હતી. બાદમાં આરોપીઓએ ફરિયાદી અને રાજેશભાને ધમકીઓ આપતાં બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.