નલિયાના વેપારી પાસેથી એસી-ટીવીની ખરીદી કરીને રૂ.૭.૫૮ લાખની છેતરપિંડી
નલિયામાં રહેતા અને જૈલારામ મંદિર સામે ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા યુવાન સાથે મુન્દ્રાના ગુંદાલામાં રહેતા અને મૂળ જામનગરના શખ્સે એસી અને ટીવીની ખરીદી કરી તેના પેટે ચેક આપ્યા હતા, જે ચેક બેકમાંથી પરત આવતાં વેપારીએ તેમની સાથે રૂ.૭.૫૮ લાખની ઠગાઈ થયાની ફરિયાદ નલિયા પોલીસમાં નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ નલિયામાં શક્તિ સોસાયટીમાં રહેતા અને જલારામ મંદિરની સામે દેવમ ઈલેક્ટ્રોનિક્સની દુકાન ધરાવતા નીરવભાઈ જયંતીભાઈ સોની (ઉ.વ.૩૨) પાસે ગત તા.૪/૭/૨૪ના રોજ ઈમરાન બડી નામનો શખ્સ આવ્યો હતો અને પોતે મુન્દ્રાના ગુંદાલામાં રહેતો હોવાનું અને મૂળ જામનગરનો હોવાનું જણાવી કાદર ઈબ્રાહીમ અગરિયાને ત્યાં નોકરી કરતો હોવાનું જણાવી એસી, વોશિંગ મશીન એલઈડી ટીવી વગેરેની ખરીદી કરવાનું જણાવી બે એસીની ખરીદી કરી હતી અને તેના પેટે રૂ.૭૧ હજારનો ચેક આપ્યો હતો. ત્યારપછી સાંજના અરસામાં ઈમરાનનો ફોન આવ્યો કે તેને બે એલ.ઈ.ડી ટી.વી જોઈએ છીએ તેમ જણાવી એક અજાણ્યા માણસને મોકલી તે ટી.વી મેળવ્યા પછી તેનો પણ ચેક આપ્યો હતો. ત્યારપછી ગત તા.૫/૭/૨૦૨૪ના ભુજમાં ટીવી જોઈએ છીએ તેમ જણાવી હોલસેલર પાસેથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરી તેના પેટે પણ ચેક આપ્યા હતા. જે તમામ ચેક બેંકમાંથી પરત ફરતાં નીરવભાઈએ નલિયા પોલીસમાં પોતાની સાથે કુલ રૂ.૭,૫૮,૨૦૦ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.