આદિપુરમાં બનેવીએ કુહાડીના ઘા ઝીંકી સાળાની હત્યા નીપજાવી

copy image

copy image

આદિપુરના ચારવાળી વિસ્તારમાં મસ્જિદ પાછળ છેલ્લી શેરીમાં રહેનાર પરેશ ચુણા (મહેશ્વરી) નામનો યુવાન પોતાના ઘરે સૂતો હતો ત્યારે  તેના બનેવીએ તેના માથાંમાં કુહાડીનો ઊંડો ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી નાસી ગયો હતો. બનેવીના હાથે સાળાની હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. આદિપુરના ચારવાળી વિસ્તારમાં ઇકબાલભાઇના મકાનમાં ભાડેથી રહેનાર પરેશ ચુણા નામનો યુવાન શાકભાજી વેચવાનું કામ કરતો હતો. દોઢેક વર્ષ અગાઉ આ યુવાને બનાવના ફરિયાદી એવા અનામિકાબેન ઉર્ફે અનુ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરેશ અને અનામિકા છેલ્લા છએક મહિનાથી સાસુ-સસરાથી અલગ ચારવાળી વિસ્તારમાં રહેતા હતા, યુવાનના મોટાબેન જમનાબેનના લગ્ન મૂળ મથડાં ગામના હાલે ગાંધીધામ જૂની સુંદરપુરી નવરાત્રિ ચોક વિસ્તારમાં રહેતા અને આ બનાવના આરોપી ભાણજી નારાણ ધુવા (મહેશ્વરી) સાથે થયાં હતાં. પ્રાપ્ત માહિતી મુજબ જમનાબેન અને ભાણજી વચ્ચે ઘરકંકાસ થતાં આ મહિલા છેલ્લા છએક મહિનાથી પોતાના પિયરમાં રહેતા હતા. દરમ્યાન રાતના અરસામાં  પરેશ અને તેની પત્ની અનામિકા જમી પરવારીને પોતાના ઘરે પટમાં સૂતા હતા ત્યારે રાતના  ત્રણેક વાગ્યાના અરસામાં અવાજ થતાં ફરિયાદી મહિલા અનામિકાબેન જાગી ગયા હતા, તેવામાં આ ભાણજીએ મહિલાના પતિના માથાંમાં કુહાડી ઝીંકી દીધી હતી. તેના એક હાથમાં કુહાડી અને બીજામાં છરી હતી. મહિલા વચ્ચે પડતાં તેમને છરી બતાવી હવે તને પણ હું મારી  નાખીશ અને બીજા ત્રણ જણને પણ મારી નાખીશ તેવી ધમકી આપી મકાનની દીવાલ કૂદી બહાર નાસી ગયો હતો. આ આરોપીએ સૂતેલા પરેશને માથાંના ભાગે ખુન્નસપૂર્વક કુહાડીનો ઊંડો ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું હતું. લોહી નીતરતી હાલતમાં યુવાન બેભાન જણાયો હતો. ફરિયાદીએ પોતાની સાસુને ફોન કરી 108ને ફોન કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યાના બનાવને પગલે પોલીસમાં દોડધામ થઇ પડી હતી. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા તપાસ   હાથ ધરી હતી.