અંજારમાં બંધ મકાનનાં તાળાં તોડી 1.60 લાખની મતાની ચોરી

copy image

copy image

અંજારના યોગેશ્વર ચાર રસ્તા નજીક સહજાનંદ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી ઇસમો એ તેમાંથી રૂા. 1,60,000ના દાગીનાની ચોરી  કરી હતી. અંજારની સહજાનંદ સોસાયટીના મકાન નંબર 55માં તસ્કરોએ હાથ માર્યો હતો. આ મકાનમાં રહેનાર તથા વેલસ્પન કંપનીમાં કામ કરનાર અંકુર સિહોરા અને બનાવના ફરિયાદી એવા તેમના પત્ની જાનકીબેન ગત તા. 3-8ના સાંજના અરસામાં  ઘરને તાળાં મારી આણંદ જવા નીકળ્યા હતા. ફરિયાદી મહિલા અને તેમના પતિ આણંદ ખાતે નણંદના ઘરે હતા. દરમ્યાન તા. 4-8ના બપોરના અરસામાં તેમના પાડોશી મહિલાએ તેમને ફોન કરી તમારા ઘરના તાળા તૂટેલા હોવાની જાણ કરી હતી. જેથી ફરિયાદી અને તેમના પતિ સાંજના  પરત ઘરે આવી ગયા હતા. તેમના બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘુસ્યા હતા અને નીચેના રૂમ તથા ઉપરના રૂમોમાં સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તસ્કરોએ નીચેના કબાટમાંથી બુટ્ટી સાથેનું સોનાનું મંગળસૂત્ર, સોનાનું પેન્ડલ, ચેઇન, સોનાનું બ્રેસ્લેટ, હાથમાં પહેરવાની સોનાની બે વીંટી, સોનાની ચાર બંગડી, ગળામાં પહેરવાનો ચાંદીનો સેટ, બે બુટ્ટીની ચોરી કરી હતી. બાદમાં અન્ય થેલામાં ફરિયાદીના સાસુના સોનાની બે ચેઇન, પેન્ડલ, બે બુટ્ટી પણ ઉપાડી લીધા હતા તેમજ ઉપર જઇ ફરિયાદીના પત્નીનું ઘડિયાળ એમ કુલ્લ રૂા. 1,60,000ની મતા ઉસેડીને તસ્કરો નાસી ગયા હતા. તેમના ઘરની સામેના ભાગે આવેલા એક ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ કરાતાં તા. 4-8ના રાત્રે 2થી 4 વાગ્યા દરમ્યાન તસ્કરોએ કળા કરી હોવાનું બહાર આવ્યું હતું. છ દિવસ બાદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.