કોડાય ધોરીમાર્ગ પર બાઇકને કારે વચ્ચે સર્જાયો અકસ્માત: એકનું મોત

copy image

copy image

કોડાય પુલ ધોરીમાર્ગ પર બાઇકને કારે અડફેટે લેતાં મૂળ ઉમરપાડાના 37 વર્ષીય યુવાન અંકુરભાઇ ઝાતરિયાભાઇ વસાવાનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. આ અંગે કોડાય પોલીસ મથકે ગીરજાશંકર સાધુએ જાહેર કરેલી વિગતો મુજબ તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે અને પત્ની એચ.પી. પેટ્રોલ પંપ તલવાણાના ડીલર છે, જેનો વહીવટ તેઓ સંભાળે છે. તેમની પાસે ભાણેજ જમાઇ અંકુરભાઇ વસાવા (મૂળ  ઉમરપાડા હાલે રહે. તલવાણા) છેલ્લા બારેક વર્ષથી કામ કરતા હતા. રાતના  ફરિયાદી, અંકુરભાઇ તથા ઇમરાનભાઇ જુણેજા (રહે. મોટી રાયણ) હિસાબ કરતા હતા અને બાદમાં ઇમરાનભાઇને મૂકવા અંકુરભાઇ બાઇક લઇ ગયા હતા. રસ્તામાં ઇમરાનભાઇને ગામની વ્યક્તિ મળી જતાં તેઓ તેની સાથે ચાલ્યા ગયા હતા. અંકુરભાઇ બાઇક લઇને આવી રહ્યા હતા ત્યારે રાત્રે 10-30 વાગ્યાના અરસામાં કોડાય જીઇબી સ્ટેશનથી આગળ પસાર થતા મહેન્દ્રા કંપનીની સફેદ પિકઅપ ડાલા ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ચલાવી અંકુરની બાઇકને અડફેટે લેતાં તેને ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી દેતાં તેનું મોત નીપજ્યું હતું. કારચાલક અકસ્માત સર્જી કાર મૂકી નાસી ગયો હતો. કોડાય પોલીસે કારચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માતમાં મોત નીપજાવ્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.