જરુ ગામમાં વીજ થાંભલામાંથી 2.55 લાખના વાયરની તસ્કરી
copy image

અંજાર તાલુકાના જરુ ગામની સીમમાં આવેલી 220 કે.વી. લાઇનમાંથી રૂા. 2,55,000ના 5328 મીટર વાયર કાપી તેની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. ભદ્રેશ્વર વિદ્યુત પ્રા. લિમિટેડ કંપનીની 220 કે.વી. લાઇન ભદ્રેશ્વરથી ટપ્પર સબ સ્ટેશન 400 કે.વી. સુધીની છે. બિપોરજોય વાવાઝોડામાં નુકસાન થતાં હાલમાં આ વીજ લાઇન બંધ હાલતમાં છે. ગેટકો કંપનીના એક્ઝિક્યુટીવ ઇજનેર પ્રવીણ સોલંકીએ ગત તા. 1/8ના આ બનાવના ફરિયાદી સૂર્યનારાયણ અપલાકોન્ડા ગોટીમુક્લા રાજુને ફોન કર્યો હતો અને તમારી કંપનીની જરુ ગામની સીમમાં આવેલી 220 કે.વી. લાઇનમાં એ.એલ. 59 કંડક્ટર વાયર તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદી અને સુરક્ષાકર્મી સહદેવસિંહ જાડેજા જરુ ગામની સીમમાં ગયા હતા. અહીં 220 કે.વી. લાઇનના થાંભલા નંબર 139થી 141 વચ્ચે આવેલા એ.એલ. 59 કંડક્ટર વાયરની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. તસ્કરોએ 444 મીટરના જુદા-જુદા 12 વાયર એમ કુલ 5328 મીટર કિંમત રૂા. 2,55,000ના વાયરની તસ્કરી કરી લઇ ગયા હતા. આટલી મોટી માત્રામાં વાયર ચોરી કરવા આવેલા તસ્કરોએ કોઇ મોટાં વાહનનો ઉપયોગ કર્યો હોવાની આશંકાના પગલે આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.