ધ્રબનાં ગોદામમાં  7.65 લાખના પીવીસી પાઉડરની ચોરી

copy image

copy image

મુંદરા તાલુકાના ધ્રબમાં જીઆઇડીસીના ગોદામનાં તાળાં ખોલી રાત વચ્ચે પીવીસી પાઉડરની 425 ગૂણી કિં. રૂા. 7,65,000ની તસ્કરી  થતાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે દાનવીર લોજિસ્ટિકના માલિક વિજયભાઇ હરજીભાઇ ચૌધરીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓએ મુંદરા મધ્યે અલગ-અલગ ગોદામ ભાડે રાખ્યાં છે, જે પૈકીના ધ્રબના જીઆઇડીસીના ગોદામ નં. 101માં જુદી-જુદી પાર્ટીઓના પી.પી. દાણા તથા પી.વી.સી. પાઉડરનો આશરે 600 ટન માલ પડયો હતો. સુપરવાઇઝર મનીષભાઇ ચૌધરી ગોદામમાંથી માલ ભરવા-કાઢવા અને ગોદામ ખોલવા-બંધ કરવાનું સંભાળે છે અને ગોદામની ચાવી તેમની પાસે જ રહે છે. ગત તા. 10-8ના ફરિયાદીને મનીષભાઇનો ફોન આવ્યો હતો કે, તેઓ સવારે ગોદામમાં આવ્યા ત્યારે ગોદામને તાળાં લાગેલાં જ હતાં અને ગોદામમાંથી રાતથી સવાર દરમ્યાન તાળાં ખોલી અજાણ્યા માણસો અંદર પ્રવેશી પીવીસી પાઉડરનો 10 ટન જેટલો માલ અલગ-અલગ કંપનીની 425 ગૂણી જેની કિં. રૂા. 7,65,000ની ચોરી કરી ફરી તાળાં લગાવી ચાલ્યા ગયા છે. ફરિયાદીની તપાસમાં એક શંકાસ્પદ ટ્રક (નંબર સહિતની વિગત), તેઓ ગોદામ ગયાની વિગત ફરિયાદીએ લખાવી હતી. ગોદામ ચોકીદાર અને સીસીટીવી કેમેરા ન હોવાનું જણાવાયું છે. મુંદરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.