ગાંધીધામમાં મિત્રને વિશ્વાસમાં લઇ ખાતાં ખોલાવી અનધિકૃત રીતે 90 લાખના વ્યવહાર કર્યા
copy image

ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેતા એક યુવાનને તેના મિત્રએ વિશ્વાસમાં લઇ તેનાં નામે બે બેંકમાં ખાતાં ખોલાવી તે બેંક ખાતાંમાં અનઅધિકૃત રીતે રૂા. 90 લાખનો વ્યવહાર કર્યો હતો. આ બેંક ખાતાં વિરુદ્ધ દેશના સાત રાજ્યમાં પોલીસ ફરિયાદ થયાનું બહાર આવતાં ભોગ બનનારા યુવાનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. મિત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ હતી. ગાંધીધામના જૂની સુંદરપુરીમાં રહી રિશી કિરણ કંપનીમાં વર્કશોપ ઇન્ચાર્જ તરીકે કામ કરનાર ચિરાગ બિપિનકુમાર સાધુ નામનો યુવાન આ બનાવનો ભોગ બન્યો હતો. ગત તા. 19/5ના તેના મિત્ર એવા આરોપી નરેન્દ્ર કિશન રાજપૂતએ ફોન કરી બાદમાં બેંકિંગ સર્કલમાં તેને મળવા આવ્યો હતો, જ્યાં તારા કેટલા બેંક ખાતાં છે તેમ પૂછી મને વાપરવા આપ, મારા ખાતાંની મર્યાદા પૂરી થઇ ગઇ છે તેવું કહેતાં ફરિયાદી યુવાને તેની ના પાડી હતી જેથી આરોપીએ તારા નામનું નવું ખાતું ખોલાવ અને મને વાપરવા આપ, મારા પૈસા આવી જશે, બાદમાં બેંકનું એ.ટી.એમ., બૂક વગેરેની કિટ તને પરત આપી દઇશ તેમ કહી વિશ્વાસમાં લઇ ગાંધીધામની બેંક ઓફ કર્ણાટકમાં ખાતું ખોલાવ્યું હતું. થોડા દિવસ બાદ આ આરોપી ફરીથી ફરિયાદીને મળી મારા મિત્રના પણ પૈસા આવવાના છે જેના લીધે મારા પણ પૈસા અટકી ગયા છે તેમ કહી વિશ્વાસમાં લઇ ફરિયાદીનાં નામે ગાંધીધામની મહારાષ્ટ્ર બેંકમાં પણ ખાતું ખોલાવ્યું હતું. બાદમાં ફરિયાદી તેને ફોન કરી તમારા પૈસા આવી ગયા હોય તો મારા ખાતાની કિટ પરત આપવા માંગ કરતો હતો પરંતુ આરોપી હજુ પૈસા ન આવ્યાનું રટણ કરતો હતો અને પોતે અમદાવાદ, દિલ્હી હોવાની વાત કરતાં ફરિયાદીને તેના ઉપર શંકા ગઇ હતી. જેથી ફરિયાદી મહારાષ્ટ્ર બેંકમાં જઇ પોતાના ખાતાની વિગતો તપાસ કરાવતાં તેમાં મર્યાદા કરતાં વધારે અને અનઅધિકૃત રીતે વ્યવહાર થયા હોવાનું બહાર આવ્યું હતું અને તેનું ખાતું બંધ કરી દેવાયું હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. જેથી આ યુવાન તરત બેંક ઓફ કર્ણાટકમાં ગયો હતો તેમાં પણ અનઅધિકૃત રીતે વ્યવહાર થયાનું બહાર આવ્યું હતું. જેથી ફરિયાદીએ કર્ણાટક બેંકનું ખાતું પોતાના મોબાઇલથી લિન્ક કરાવી તેનું સ્ટેટમેન્ટ કઢાવતાં તા. 10/7થી 3/8 દરમ્યાન તેના ખાતામાં રૂા. 90 લાખથી વધુના ટ્રાન્જેક્શન થયા હોવાનું બહાર આવ્યું હતું. પોતાની સાથે મિત્રએ છેતરપિંડી કરી હોવાનું સામે આવતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં અરજી આપી હતી જેની તપાસ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર કરાતાં આ ખાતાં વિરુદ્ધ કેરલા ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો થઇ હોવાનું બહાર પર આવતાં ભોગ બનનાર યુવાનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. નરેન્દ્ર રાજપૂતએ અન્ય એવા જિગર નીતા પંડયા, શંકર સુમાર એડિયા, ચિરાગ શંકર કારિયા, પવન થારૂને પણ આવી રીતે વિશ્વાસમાં લઇ તેમના પણ ખાતાં ખોલાવી પોતે વાપરતો હોવાનું બહાર આવ્યું હતું. વિશ્વાસઘાત ઠગાઇના આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.