માંડવીમાં તસ્કરો ત્રાટક્યા : અયોધ્યાનગરના અન્ય એક ઘરમાંથી 70 હજારની ચોરી
copy image

માંડવીને નિશાચરોએ જાણે નિશાન બનાવી ધામા નાખ્યા હોવાનું આ માંડવીમાં થતી ચોરીઓ પરથી ફલિત થઈ રહ્યું છે અયોધ્યા નગરમાં રહેતા વિનોદ ગઢવીના ઘરમાંથી નિશાચરોએ 52,500ની ચોરીને અંજામ આપ્યો હતો, ત્યારબાદ એ જ રાતના અરસામાં એ જ નગરમાં રહેતા સંદીપગિરિ જગદીશગિરિ ગુસાઈના મકાનને પણ ચોરોએ તાળાં તોડી અંદર પ્રવેશી આખા ઘરને ફેંદી નાખી 70 હજારથી વધુની માલમતા ચોરાયાની વિગત મળી હતી. વ્યવસાયે જંગલ ખાતામાં સર્વિસ કરી રહેલા સંદીપગિરિએ નોંધાવેતેમના ઘરમાંથી ચાંદીના પટ્ટા પાંચ જોડી, ચાંદીની બંગડી જોડી એક, ચાંદીની ચેન એક, સોનાની વીંટી એક અને રૂા. 35,000ની રોકડ સહિત રૂા. 70,000થી વધુની માલસામગ્રી ઇસમો ચોરી ગયા છે. સંદીપગિરિ ગુસાઈ શનિવારે પોતાના મકાનને વ્યવસ્થિત બંધ કરી એક દિવસ માટે ભુજ ગયા હતા અને રવિવારની રાત્રે 11 વાગ્યાની આસપાસ પરત આવતાં તેમણે ઘરનાં તાળાં તૂટેલાં અને ઉપરનાં માળનાં ઘરની લાઈટો ચાલુ જોતાં અને ત્યારબાદ ઘરમાં તપાસ કરતાં ઘર સામગ્રી અસ્તવ્યસ્ત પડી હતી અને ચોરી થયાનું સામે આવ્યું હતું. અયોધ્યા નગરમાં ચોરી થતાં અહીંના રહેવાસીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવરાત્રિ મંડળના પ્રમુખ અને પત્રકાર કરસન ગઢવીએ પોલીસ સમક્ષ નગરમાં રાત્રિ પેટ્રોલિંગ વધારા માટે માગણી કરી હતી. પોલીસ તંત્રને રીતસરનો જાણે પડકાર ફેંકતા હોય તેમ આ નિશાચરો માંડવીને ધમરોળી રહેવા સાથે પ્રજાજનોમાં ભયની લાગણી ફેલાવી રહ્યા છે.