ખડીર પંથકના ગણેશપરમાં બે ઘરમાંથી 1.74 લાખના દાગીનાની ચોરી
copy image

ભચાઉ તાલુકાના ખડીર પંથકમાં આવતા છેવાડાના ગણેશપર ગામમાં બે બંધ મકાનના તાળા ચાવી વડે ખોલી તસ્કરોએ ધોળા દિવસે રૂા. 1,74,000ના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા. નાનકડા ગામમાં ચોરીના બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. ગણેશપરમાં રહેતા ખેડૂત એવા ગણેશા હીરા વરચંદ નામના યુવાને ચોરીના આ બનાવ અંગે ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 12/8ના આઠમ હોવાથી ફરિયાદી અને તેમના પત્ની પાર્વતીબેન, બહેન સંતોકબેન વગેરે 20 જેટલા લોકો રાપર તાલુકાના મોટી રવ રવેચી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. ફરિયાદી ખેડૂતની પાડોશમાં રહેતા તેમના બનેવી શામજી પોતાના ભાઈ સાથે મોમાયમોરા ખાતે દર્શન કરવા ગયા હતા. ફરિયાદી યુવાન અને અન્ય લોકો બપોરના અરસામાં પરત ફર્યા હતા, તેમના પત્નીએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું ખોલી અંદરનો દરવાજો ખોલવા જતાં તે ખુલ્લો જણાયો હતો, તેમને શંકા જતાં ઘરમાં જઈને તિજોરી જોતાં તિજોરીનું ખાનું તૂટેલી હાલતમાં જણાયું હતું. તસ્કરોએ આ ઘરના તાળા ચાવી વડે ખોલી અંદર ઘૂસી અંદરથી 3 તોલાની સોનાની રામનામી, બે તોલાની સોનાની બુટીસરાની ચોરી કરી હતી તેમજ પાડોશમાં રહેતા તેમના બનેવી શામજીભાઈના ઘરમાં ઘૂસી તેમાંથી દોઢ તોલાની સોનાની ચેઈન, બે તોલાની સોનાની બુટીસરા, બે ગ્રામની સોનાની વીંટી એમ કુલ 1,74,000ના દાગીનાની ચોરી કરી હતી. છેવાડાના ગામમાં ધોળા દિવસે ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.