પૈયામાં ગામે ચાલતા કતલખાનાનો પર્દાફાશ
ભુજ તાલુકાના પૈયા ગામે મકાનમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાનાનો પર્દાફાશ થયો છે. માધાપર પોલીસને બાતમી મળી હતી કે, પૈયામાં રહેતો સુલેમાન સુમાર મોખા પોતાના કબજાના મકાનમાં ગૌવંશનું કતલ કરી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. આ બાતમીના પગલે પંચોને સાથે રાખી માધાપર પોલીસે દરોડો પાડતાં ગૌમાંસ આશરે 17 કિલો તથા કતલ માટે વપરાતા લોખંડના છરા, કોઇતા અને લાકડાનો થડો, ઇલેક્ટ્રિક વજનકાંટો, ઇલેક્ટ્રિક કટર, એક મોબાઇલ તથા ગૌમાંસની હેરફેર માટે વપરાતા વાહન બોલેરો પીકઅપ અને બાઇક એમ કુલ્લે રૂા. 5,25,850ના મુદ્દામાલ સાથે સુલેમાનને ઝડપી લીધો હતો. જ્યારે તેની પાસે મજૂરી કામ કરતો હયાત અબ્દુલ મંધરિયા (રહે. બોલાડી) ભાગી ગયો હતો. માધાપર પોલીસે દરોડા દરમ્યાન મળેલા માંસનું પરીક્ષણ કરાવતાં તે માંસ ગૌવંશનું નીકળ્યું હતું. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવા સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.