માંડવીમાં 55 હજારના દારૂના જથ્થા સાથે એક મહિલા ઝડપાઈ

copy image

copy image

માંડવીમાં કારમાં રૂા. 55,560નો દારૂનો જથ્થો લઈ જતી મહિલાને પકડી પાડી પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુના શોધક શાખાએ શરાબ, કાર તથા મોબાઈલ મળી કુલ રૂા. 7,60,560નો મુદ્દામાલ હસ્તગત લીધો હતો, તો અન્ય આરોપી હાથમાં આવ્યો નહોતો, જ્યારે નખત્રાણા પોલીસે તાલુકાના દનણા ગામની વાડીમાં રખાયેલી રૂા. 29,000ની કિંમતની શરાબની બોટલો જપ્ત કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં માંડવીમાં કાર સાથે ઝડપાયેલી માધાપરની મહિલા આરોપી હંસાબા હરિસંગજી જાડેજા પાસેથી જુદી-જુદી બ્રાન્ડની કુલ 132 બોટલ દારૂ કિ. રૂા. 55,560 મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર તથા મોબાઈલ મળી કુલ રૂા. 7,60,560નો મુદ્દામાલ હસ્તગત  કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગીરૂભા નામના અન્ય આરોપીને પકડી પાડવા તપાસ  હાથ ધરી હતી. શરાબ અંગેનો વધુ એક દરોડો દનણામાં પડાયો હતો, જ્યાં રાસુભા મંગલસિંહ સોઢા નામના આરોપીને તેના કબજાની વાડીમાં જમીનમાં દાટી રખાયેલા રૂા. 29,000ના દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો, જ્યારે હાથમાં ન આવેલા દરશડીના ભાવસંગજી ભગુભા જાડેજા નામના આરોપીને પકડવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.