મેઘપર કુંભારડી પાસે નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈનાં મોત
અંજાર તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં ન્હાવા ગયેલ ફરહાન સિકંદર હુસેન સાટી (ઉ.વ.17) અને અમન અબ્બાસ હુસેન સાટી (ઉ.વ.14)નું ડુબી જવાથી મૃત્યુ થતા પરિવારમાં ગમગીની પ્રસરી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સાંજના 5 વાગ્યાના અરસામાં આદિપુરના મણિનગરમાં રહેતા અમન અને મેઘપર કુંભારડીની ભકિતધામ સોસાયટીમાં ફરહાન સાઈકલ લઈને નર્મદા કેનાલમાં ન્હાવા માટે નિકળ્યા હતા. અંજાર-આદિપુર રોડ ઉપર શનિદેવના મંદિર પાસે નર્મદાના કેનાલથી શિણાય તરફ જતી નર્મદા કેનાલમાં બંને ભાઈઓ સાંજે અરસામાં ન્હાવા ગયા હતા. દરમ્યાન અચાનક કોઈ પ્રકારે તેઓ પાણીની અંદર ગરકાવ થયા હતા. બંને બાળકો કેનાલમાં ડુબ્યા હોવાના અહેવાલ મળતાની સાથે જ વહીવટીતંત્રની બચાવ ટીમ તાબડતોબ આવી પહોંચી હતી.બચાવ ટીમે પાણીમાં ગરકાવ થયેલા બાળકોની શોધખોળ આરંભી હતી. આ ટુકડીની મહેનત બાદ બંને બાળક મળી આવ્યા હતા. તેમને આદિપુરની ખાનગી હોસ્પિટલ ખાતે લવાતા ફરજ ઉપર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ વેળાએ 108 એમ્બ્યુલન્સ ટીમ પણ આવી પહોંચી હતી. દેશ આઝાદ થયાના સ્વાતંત્રપર્વની ઉજવણીના માહોલ વચ્ચે એક જ પરિવારના બે આશાસ્પદ બાળકોનુ મૃતના સમાચારને લઈને પરિવારમાં શોક નો મહૉલ સર્જાયો હતો. મૃતકના પિતા શ્રમિક હોવાનુ પોલીસે ઉમેર્યું હતું. નોંધપાત્ર છે કે થોડા મહિનાઓ પહેલા શિણાય ડેમમાં ન્હાવા ગયેલા બે જણના મૃત્યુ થયા હતા. ત્યારબાદ ડેમમાં ન્હાવા જવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત અગાઉ પણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાના કેનાલમાં ડુબવાથી લોકો મૃત્યુ પામ્યા છે.તેવામાં વધુ વખત આ જ પ્રકારનો બનાવ બનતા ચકચાર પ્રસરી છે.