બીભત્સ ચેનચાળા કરતો સીસીટીવી કેમેરામાં ઝડપાયેલો નલિયા ડેપોનો ડ્રાઇવર ફરજ મોકૂફ
ભુજ શહેરના બસપોર્ટમાં મહિલા સાથે ચેનચાળા કરતાં સીસીટીવીમાં ઝડપાયેલા નલિયા ડેપોના ડ્રાઈવરને સસ્પેન્ડ કરાયો છે. ભુજનું નવું બનેલું બસપોર્ટ હાલ અવારનવાર સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહ્યું છે, ત્યારે મહિલા સાથે બીભત્સ ચેનચાળા કરતા ઝડપાયા બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના ચકચારી બનાવમાં સંડોવાયેલા નલિયા ડેપોના ડ્રાઇવર રજાક અલાના તુરિયાને વિભાગીય નિયામક યોગેશ પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એસ.ટી.નો આ કર્મચારી એક મહિલા સાથે બીભત્સ ચેનચાળા કરતો બસપોર્ટ સંકુલના સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાયા બાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને પગલે વિભાગીય નિયામકે આકરું પગલું ભરી સસ્પેન્ડ કરતો હુકમ કરતાં શિસ્તની અવહેલના કરતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. અત્રે નોંધનીય છે કે, હજુ થોડા સમય પહેલાં જ બસપોર્ટમાં જાહેરમાં અશોભનીય વર્તન કરતા મંજલના ડ્રાઈવરનો વીડિયો વાયરલ થયો હતો, જેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.