માધાપરમાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા નિપજાવી
ભુજ તાલુકાનાં માધાપરના સથવારાવાસમાં 27 વર્ષીય ઈશ્વર પ્રેમજી સથવારાનું તેના મોટા ભાઈ કલ્પેશે લોખંડના પાઈપથી ફટકા મારી ઢીમ ઢાળીને તેની લાશને પત્રીની સીમમાં ફેંકી દીધાનો બનાવ સામે આવ્યો હતો. પરિવારની મહિલા સાથેના આડા સંબંધ હત્યા પાછળ કારણભૂત હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. હત્યા સંબંધે મૃતક અને હત્યારાના પિતા પ્રેમજી કાનજી સથવારાએ માધાપર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓ પત્રીના વાડીવિસ્તારમાં રહે છે અને પુત્ર ઈશ્વર તથા કલ્પેશ માધાપરમાં સથવારાવાસમાં પાસપાસમાં રહે છે. હત્યાના પર્દાફાશ બાદ આરોપીએ કરેલા ઘટસ્ફોટમાં પરિવારની મહિલા સાથેના આડા સંબંધને લઈ બન્ને ભાઈઓ વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા હતા અને 15મી ઓગસ્ટના પણ આવો જ ઝઘડો થયો હતો. બીજા દિવસે સવારે કલ્પેશ લોખંડનો પાઈપ લઈ ઈશ્વરના ઘરે ગયો હતો અને માથાના ભાગે પાઈપના ફટકા મારી લોહીલુહાણ કરી ઢીમ ઢાળી દીધું હતું. હત્યા બાદ તેની લાશને મદનિયા ટેમ્પામાં પાછળ મૂકી પત્રી ગામની ખારા વિસ્તારની સીમમાં ફેંકી દીધી હતી. આ બાદ 16મી થી જ કલ્પેશ અને તેના ત્રણ સંતાનો તથા ઈશ્વર ગુમ થયાની જાણ ફરિયાદી પ્રેમજીભાઈને થતાં તે માધાપર દોડી આવ્યા હતા. ઘરમાં તપાસતાં ઈશ્વના ઘરમાં લોહીના છાંટા ઊડયાનું તથા લોહીના ડાઘ સાફ કરાયાનું જણાતાં માધાપર પોલીસને જાણ કરતાં પોલીસે પણ બનાવની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી હતી અને કલ્પેશે ભાંગી પડી પિતા સમક્ષ હત્યા કબૂલી લીધી હતી.