ગાંધીધામમાં જુગાર રમતા ડખો થતાં એક શખ્સે યુવાનની હત્યા કરી
ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં ગતરાત્રે ગંજીપાના વડે જુગાર રમતી વખતે અંદરોઅંદર કોઇ મુદ્દે ડખો થતાં એક શખ્સે નરેશ વેરશી દાદુ માતંગ (ઉ.વ. 25) ઉપર છરી વડે હુમલો કરી તેની હત્યા નીપજાવી હતી. હત્યાના આ બનાવમાં ચાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ચારેયને પકડી પાડયા હતા. ગાંધીધામના જૂની સુંદરપુરી ખેતરપાળ મંદિર પાછળ નવરાત્રિ ચોક વિસ્તારમાં રહેનાર નરેશ નામનો યુવાન રાતના અરસામાં ઘરેથી તહેવારના દિવસો હોવાથી બહાર નીકળ્યો હતો. તેના પિતા એવા આ બનાવના ફરિયાદી વેરશીભાઇ માતંગ રાત્રે સૂઇ ગયા હતા. મોડી રાત્રે ત્રણેક વાગ્યે ફરિયાદીના અન્ય દીકરા વિશાલે તેમને જગાડયા હતા અને નરેશનો ઝઘડો થયો છે, તેને સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જઇએ છીએ, તેમ કહી તે નીકળી ગયો હતો. દરમ્યાન, ફરિયાદી પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં નરેશના જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી તેનું મોત થયું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે ફરિયાદીએ પોતાના દીકરા વિશાલને પૂછતાં પોતે રાત્રે અઢી-પોણા ત્રણ વાગ્યે જાગી ઘરની બહાર નીકળતાં ચોકમાં નરેશ પડયો હતો. તેના પગમાંથી લોહી નીકળતું હતું. મોહન જટ હાથમાં છરી લઇને ઊભો હતો ત્યાં તેના પિતા ખીમજી, મેઘજી માતંગ, પપ્પુ ઉર્ફે પ્રેમજી પણ ઊભા હતા, ત્યાં વિશાલનો મિત્ર ગોપાલ મહેશ્વરી પણ હાજર હતો. વિશાલને જોઇ આ ચાર શખ્સ નાસી ગયા હતા. વિશાલે ત્યાં હાજર પોતાના મિત્ર ગોપાલને પૂછતાં તે પોતે તથા નરેશ અને મોહન ખીમજી જટ, મેઘજી અરજણ માતંગ, પ્રેમજી ઉર્ફે પપ્પુ અરજણ માતંગ તથા કરણ તહેવાર હોવાથી ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હતા અને જુગાર રમતા-રમતા નરેશનો મોહન, મેઘજી તથા પપ્પુ સાથે ઝઘડો-તકરાર થતાં મેઘજી અને પપ્પુએ તેને માર માર્યો હતો. ઝઘડાનો અવાજ સાંભળી જતાં મોહનના પિતા ખીમજી પણ ત્યાં આવી અને નરેશને મારી નાખો તેમ કહેતાં તેના દીકરા મોહને છરી કાઢી નરેશના જમણા પગમાં-સાથળમાં ઘા ઝીંકી દીધો હતો, જેમાં આ યુવાનને ગંભીર ઇજાઓ થતાં તે ઢળી પડયો હતો. બનાવની તપાસ કરતા પી.આઇ. એમ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, વધુ લોહી નીકળી જતાં આ યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી ચારેય આરોપીઓને પકડી પાડયા હતા. છરી, લોહીવાળા કપડાં કબજે કરવા સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી. જુગાર રમતા કોઇ મુદ્દે બબાલ બાદ યુવાનનું ઢીમ ઢાળી દેવાતાં અરેરાટી પ્રસરી હતી.