ભુજના જયેષ્ઠા નગરની જુગાર કલબ પર દરોડો છ ઝડપાયા
ભુજના જયેષ્ઠા નગરમાં જબ્લેશ્વર મંદિર પાસે રહેતા એક મકાન માલિક દ્વારા તેમના મકાનના ઉપરના માળમાં જુગારની કલબ ચાલુ કરી બહારના લોકોને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડી છ શખ્સોને રૂ.૧.૬૭ લાખની રોકડ સાથે ઝડપી લીધા હતા.પ્રાપ્ત માહિતી મુજબ ભુજ શહેરના બી ડિવીઝનના સ્ટાફના પેટ્રોલિંગમાં હતા ત્યારે ભુજના જયેષ્ઠા નગરમાં જબ્લેશ્વર મંદિર પાસે રહેતા અનિલ જખુભાઈ ભાનુશાલી નામના શખ્સે પોતાના મકાનના ઉપરના માળના રૂમમાં લોકોને જુગાર રમવા માટે બહારના લોકોને બોલાવી તેની પાસેથી નાલ ઉઘરાવીને જુગાર રમાડતો હોવાની બાતમી સર્વેલન્સ સ્ટાફને મળતાં પી.આઈ. બી.એન. મોઢવાડિયા, પી.એસ.આઈ. જે.કે. બારિયા, નિલેશભાઈ ભટ્ટ, મયૂરસિંહ જાડેજા તથા ટીમે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડયો હતો. પોલીસના દરોડામાં જુગાર રમી રહેલા જયેષ્ઠા નગરમાં વાઘેશ્વરી ચોકમાં રહેતા દિલીપભાઈ જખુભાઈ ભાનુશાલી, દયારામ શિવજી ભાનુશાલી, માધાપર ઓધવબાગના ચેતનભાઈ વેલજીભાઈ ભાનુશાલી, ઝુરામાં રહેતા પચાણભાઈ માયાભાઈ ઓઢાણા, વાઘેશ્વરી ચોકવાળા જિતેન્દ્ર તુલસીદાસ ભાનુશાલી અને નિરોણાના સાલેમામદ ફકીરમામદ સુમરા નામના શખ્સોને રૂ.૧,૬૭,૦૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.