ટ્રાન્સમિશન ટાવરના વીજવાયરની ચોરી કરતી ગેંગના ૧૦ શખ્સોને ઝડપી લેવાયા

ભુજ તાલુકાના મોટા દિનારા અને મોટા પૈયા ગામની સીમ વિસ્તારમાં ટ્રાન્સમિશન ટાવરના વીજવાયરની ચોરીઓના અણઉકેલ બનાવો અંગે ખાવડા પોલીસની કાર્યવાહી દરમ્યાન ગુનામાં પકડાયેલા શખ્સની યુક્તિ પ્રયુક્તિથી કરાયેલી પૂછપરછમાં મળેલી બાતમીના આધારે પોલીસે વાયર ચોરી કરતી ગેંગ અને ચોરાઉ મુદ્દામાલ ખરીદનાર સહિત ૧૦ શખ્સોને ઝડપી લઈ બોલેરા ગાડી અને ૩0 કિલો વીજવાયરનો જથ્થો  જપ્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વિશ્વના સૌથી મોટા સોલાર પ્લાન્ટના આર.ઈ.પાર્ક ખાવડામાં ચાલી રહેલા કામકાજ દરમ્યાન મોટા દિનારા અને મોટા પૈયા ગામના સીમ વિસ્તારમાંથી ટ્રાન્સમિશન ટાવરના વીજવાયરની ચોરીની નોંધાયેલ ફરિયાદોનો ભેદ ઉકેલવા ખાવડા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.બી.ચાવડા તથા ટીમના મેઘરાજસિંહ ગઢવી, ફલજીભાઈ મુંજી, અનિરુદ્ધસિંહ રાઠોડ, પ્રકાશભાઈ ચૌધરી, પ્રધુમનસિંહ વાહેર, દશરથસિંહ રાઠોડ, રમેશભાઈ પ્રજાપતિ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસે શુક્રવારના  રાતના અરસામાં નાના બાંધા, નવાવાસમાં રહેતા હાજી જિયા સમા (ઉં.વ.૨૪)ને. ગુનો કરવાના ઈરાદે રખડતો ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા થયેલી ચોરી પોતે તેમની સાથેના શખ્સોએ કરી હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે વરનોરા ગામેથી અંતરિયાળ રસ્તે વોચ ગોઠવી બોલેરો પીકઅપ વાહનને આંતરી તેમા બેઠેલા અબુબકર ઉર્ફે અબુ યુસુફ ગગડા, હમજા ઉમર અબડા, સુલતાન ઉર્ફે દઉં સુમાર મેર, ગની જખરા મોખા અને સાહીલ ઈશા મોખાને રાઉન્ડ અપ કર્યા હતા. ત્યારપછી પોલીસે મુસ્તાક અયુબ સમા, અનશ અલી સમા, સાધ અભુભકર સમા અને ભંગારના વાડીવાળો ઈમરાન આદમ કુંભારની ધરપકડ કરી રૂ.૩ લાખની કિંમતનું બોલેરો અને ૩૦ કિલો વાયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે નવાવાસના અલાના સમાને ફરાર જાહેર કર્યો હતો.