રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ બન્યો આશીર્વાદ : ભચાઉના પંથકની ૪ વર્ષની ક્રિશા સાંભળતી થઈ

કુદરતે બક્ષેલી સાંભળવાની ક્ષમતાથી વંચિત રહેલી ભચાઉ તાલુકાના દુર્ગમ ખડીર પંથકની એક નાનકડી બાળકી માટે સરકારશ્રીનો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) નવજીવન લઈને આવ્યો છે. બાંભણકા ગામની ચાર વર્ષની ક્રિશા, જે જન્મથી જ કાંઈ સાંભળી શકતી ન હતી, તે હવે સાંભળતી થઈ છે. RBSK ટીમની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળતાપૂર્વક કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન કરવામાં આવ્યું છે.
સરકારશ્રી દ્વારા ૦ થી ૧૮ વર્ષના બાળકો માટે અમલમાં મુકાયેલા RBSK કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં જન્મજાત ખોડખાંપ
ણ, હૃદયરોગ, દૃષ્ટિ અને શ્રવણની ખામી સહિત 4D મુજબની ગંભીર બીમારીઓની વહેલી ઓળખ કરીને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. તાજેતરમાં ભચાઉ તાલુકામાં શાળા અને આંગણવાડીના બાળકોની આરોગ્ય તપાસ દરમિયાન બાંભડકા ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતી ૪ વર્ષની ક્રિશા નાગજીભાઈ મારાજ જન્મથી જ કાને સાંભળી શકતી ન હોવાનું RBSK ટીમના ધ્યાને આવ્યું હતું. બાળકીની સમસ્યા ધ્યાને આવતા જ RBSK ભચાઉ ટીમના ડૉ. નિરાલીબા ઝાલા, ડૉ. તેજસ વ્યાસ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક પરિવારને સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.નારાયણસિંઘના માર્ગદર્શન હેઠળ બાળકીને વધુ સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી અને સતત ફોલોઅપ રાખવામાં આવ્યું હતું. જેના પરિણામે તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે બાળકીનું કોક્લિયર ઇમ્પ્લાન્ટ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ અત્યંત ખર્ચાળ સર્જરી સરકારશ્રીની યોજના હેઠળ સંપૂર્ણ વિનામૂલ્યે કરવામાં આવી છે.
આ ઓપરેશન બાદ ક્રિશાના શ્રવણ અને બોલવાના વિકાસ માટે નવી આશા ઉભી થઈ છે. પોતાની દીકરી સાંભળતી થતા પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. આ ઘટના એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે, સરકારી આરોગ્ય સેવાઓ દ્વારા થતી વહેલી ઓળખ, યોગ્ય માર્ગદર્શન અને સમયસર રિફરલ એક બાળકના સમગ્ર જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે.