13.55 કરોડના સટ્ટાના પૈસાની હેરફેરી માટે બેન્ક ખાતું મહિને 30 હજારમાં ભાડે આપનારા બે ઝડપાયા

copy image

copy image

આદિપુરમાં પોલીસે બે શખ્સોને પકડી પાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા અંગે ગેરકાયદેસર નાણાં વ્યવહારના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ શખ્સો પાસેથી અમદાવાદ, મોરબી, ગાંધીધામ, આદિપુરની જુદી-જુદી બેંકની 44 કિટ કબ્જે  કરવામાં આવી હતી. લોકોને લાલચ આપી તેમને પૈસા આપી તેમની પાસેથી બેંકની કિટ મેળવી બાદમાં તે ખાતામાં ક્રિકેટના સટ્ટાનો વ્યવહાર કરવામાં આવતો હતો. બનાવના બે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરાઈ હતી. આદિપુરમાં ગજવાણી રોડ પાસેથી પસાર થતી કારને સરહદી રેન્જની સાયબર પોલીસે રોકાવી હતી. આ કારમાં એક થેલામાંથી જુદી-જુદી બેંકની 44 કિટ મળી આવી હતી. દરમ્યાન આદિપુરના 4-બી વિસ્તારમાં રહેતા નરેશ રમેશ સંગતાણી તથા સાધુ વાસવાણી નગરમાં રહેતા ભરત મુકેશ નેનવાયાની ધરપકડ  કરવામાં આવી હતી. નરેશ સંગતાણી લોકોની બેંક કિટ મેળવી મુંબઈ મહારાષ્ટ્રના બાબુ બાલાને મોકલી આપતો હતો. તેની પાસેથી જપ્ત કરાયેલ મોબાઈલમાં વોટ્સએપમાં બાબુ બાલાનું નામ બી-ડી નામથી સેવ કરી તેમાં કરેલ વોઈસ મેસેજોનું ચેટિંગ પણ મળી આવ્યું હતું. આ શખ્સોને બાબુ બાલાનો સંપર્ક રાજ દીપક ધનવાણી (રાજ પાવભાજી)એ કરાવ્યો હતો. તેમજ અમુક ખાતા રાજ ધનવાણીએ ખોલાવડાવી બાબુ બાલાને તેની કિટ આપી હતી. સાયબર પોલીસના ગુનામાં આ રાજનું નામ બહાર આવતાં તે અગાઉ જ નાસી ગયો હતો. રાજ ધનવાણી અને એ. યુ. સ્મોલ ફાયનાન્સ બેંક ગાંધીધામ શાખાના મેનેજર ખાતાઓ ખોલાવવામાં સાથે હોવાનું પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું. અમદાવાદ, ગાંધીધામ, આદિપુર, ઉત્તરપ્રદેશ, મેઘપર કુંભારડી, બોરીચી, ભુજ, ભારાસરના લોકોને વિશ્વાસમાં લઈ તેમને ખાતાદીઠ રૂા. 8થી 10 હજાર ચૂકવી આ લોકોના બેંક ખાતા ખોલાવી તેમની પાસેથી બેંક કિટ, એ.ટી.એમ., પાસબુક, ચેકબુક વગેરે મેળવી બાબુ બાલાને રૂા. 30,000માં આપી દેતા હતા. બેંક ખાતુ ખોલાવતી વખતે મુંબઈથી આવતા મોબાઈલના સિમકાર્ડ નંબર તેમાં નોંધાવાતા હતા અથવા ગૂગલ મેસેન્જર દ્વારા ક્યુઆર કોડ સ્કેન કરી બેંક ખાતા ઉપયોગમાં લેવાતા હતા. પકડાયેલા શખ્સો પાસેથી સુનીલ દિલીપ ભીલ, સરોજ રાકેશ, રોશનકુમાર દંતાણી, અજીત ભરત ભીલ, વિષ્ણુ માફારાણા, વિશાલ ભીલ, દિનેશકુમાર રમેશકુમાર ભીલ, જિગર નટુ ભીલ, પપ્પુરામ, કુલદીપ જયંતી ચૌહાણ, શિલા સિંઘ, જયંતી રામસિંઘ માલી, કિશનસિંઘ, સાક્ષી પવનકુમાર ટહેલ્યાણી, પવનકુમાર રામચંદ ટહેલ્યાણી, વિષ્ણુ માફારાણા, નીરવ નેણસી સોલંકી, હિરેન મોતી ચાવડા, અયુબખાન ઉસ્માનખાન પઠાણ, ફરજાનાબાનુ અયુબ પઠાણ, જિતેન્દ્ર કાંતિલાલ પુરાનિયા, હિના દિપેન સુંદા, ઉમેશ કાનજી કાપડી, દીપા સુંદા, પ્રશાંત સુરેશ પરમાર, આશિષકુમાર મફારાણા, રાહુલ મહેશ્વરી, મહેશ કનકસિંહ ગોહિલ, જે. કે. એન્ટરપ્રાઈઝ નામની ચેકબુક, એ.ટી.એમ., પાસબુક વગેરે બેંક કિટ નંગ-44 હસ્તગત કરવામાં આવી હતી. આ ટોળકીઓએ અમુક લોકોના બે-બે બેંક ખાતા ખોલાવી આપ્યા હતા. આ તમામ ખાતાઓમાં અત્યાર સુધીમાં આ ટોળકીએ રૂા. 13,55,00,000નું ટ્રાન્જેકશન કર્યું હતું. ક્રિકેટના સટ્ટા માટે ગેરકાયદેસર રીતે ઉપયોગમાં લેવાતા વધુ એક બેંક ખાતા કૌભાંડ બહાર આવ્યું હતું. હાથમાં ન આવેલા બાબુ બાલા અને રાજ ધનવાણીને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.