ભુજમાં સાથી મિત્રો દ્વારા જ યુવાનની હત્યા નિપજાવાઈ
ગત તા. બે-ત્રણ ઓગસ્ટથી ગૂમ થયેલા મૂળ દિલ્હી તરફના હાલે ભુજ રહેતા 25 વર્ષીય યુવાન રાહુલ લખન મોચીની તપાસ દરમ્યાન આ યુવાનની તેના મિત્રોએ જ હત્યા નીપજાવી લાશ કૂવામાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભુજના સરપટ નાકા બહાર રોયલ રેસ્ટોરન્ટમાં કામ કરતા મૂળ દિલ્હી તરફના અને હાલે એરફોર્સ રોડ પર રહેતા રાહુલની ભુજના સ્થાનિક મિત્રો સાથે મોબાઇલ લઇ લેવા બાબતે માથાકૂટ થઇ હતી. રાહુલના સાથી મિત્રોએ ઢીકાપાટુ તથા પથ્થરોથી માર મારતાં રાહુલ મૃત્યુ પામ્યો હતો. આ હત્યાના બનાવને છુપાવવા આરોપીઓએ રાહુલની લાશને છત્રીસ ક્વાર્ટર્સ સામે ગગડાવાંઢ તરફ જવાના રસ્તે અવાવરુ કૂવામાં ફેંકી દીધી હતી. રાહુલ બે-ત્રણ તારીખથી ગૂમ થતાં આ બાબતે પોલીસમાં ગૂમનોંધ લખાવાઇ હતી, જેને લઇને પોલીસે તપાસ કરી રહી હતી, તે દરમ્યાનની પૂછપરછમાં હત્યા નીપજાવ્યા અને લાશ કૂવામાં ફેંકી દીધાનું સામે આવતાં રાતથી જ બી-ડિવિઝન પોલીસની સાથે એલસીબી, એસઓજી અને એ-ડિવિઝન પોલીસે પણ લાશ શોધવા કાર્યવાહી કરી હતી અને સવારના રાહુલની લાશ કૂવામાંથી મળતાં માનવજ્યોતના યુવાનોના સહકારથી લાશને હોસ્પિટલ ખસેડાઇ હતી. રાહુલની હત્યા નીપજાવનારાઓમાંના ત્રણથી ચાર આરોપી રાઉન્ડઅપ થઇ ચૂક્યા હોવાનું તેમજ અન્ય બાબતો અંગે તપાસ ચાલી રહી હોવાથી હજુ મોડી રાત સુધી આ બનાવ વિધિવત પોલીસ મથકે ચડયો નથી.