સુખપરના યુવાન સાથે ઇ-કેવાયસી અપડેટનાં બહાને ઓનલાઇન છેતરપિંડી

copy image

copy image

ડિજિટલ લુખ્ખાઓનો ત્રાસ અત્યંત વધ્યો છે. આ વચ્ચે સુખપરના યુવાન સાથે બેંકમાં ઇ-કેવાયસી અપડેટના બહાને મોકલાવેલી લિંક મારફત રૂા. 2.20 લાખની ઓનલાઇન છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાવાઇ હતી. તપાસ દરમ્યાન આ નાણાં પશ્ચિમ બંગાળના એટીએમમાંથી ઉપડયાનું ખુલ્યું છે. આ અંગે માનકૂવા પોલીસ મથકે સુથારીકામ કરતા હિતેશભાઇ મનજીભાઇ ખેતાણીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 15/8ના તેમના વોટસએપ પર યુનિયન બેંક ઇ-કેવાયસી અપડેટ સંબંધિત લિંક આવી હતી અને ડી.પી.માં બેંકનો લોગો હોવાથી ફરિયાદીને આ મેસેજ બેંક તરફથી હશે તેમ લાગતાં તેમણે લિંક ઓપન કરી ચાર આંકનો પાસવર્ડ નાખતાં તેમના ખાતાંમાંથી રાત્રે રૂા. 50 હજાર અને 1.70 લાખ એમ કુલે રૂા. 2.20 લાખ ઉપડી જતાં સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરિયાદ અરજી કરી હતી અને માનકૂવા પોલીસ મથકે જે તે મો.નં.વાળા તથા તપાસમાં જે નીકળે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આઇ.ટી. એક્ટ તથા અન્ય કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન, આ છેતરપિંડીને લઇને સાયબર ક્રાઇમ સેલે મેળવેલા ડિજિટલ ફૂટ પ્રિન્ટથી મળેલી જાણકારી મુજબ આ ડિજિટલ ઠગે કરેલી ઠગાઇના નાણાં પશ્ચિમ બંગાળના એ.ટી.એમ.માંથી ઉપાડી લીધા હતા. આ આરોપીના વધુ સગડ મેળવવા તપાસ  ચાલુ હોવાનું સામે આવ્યું હતું.