ગાંધીધામમાં પ્રતિબંધિત સિગારેટ સાથે ઈસમની ધરપકડ
ગાંધીધામના બેન્કિંગ સર્કલ નજીક બસની ઓફિસ નજીક ઊભેલા એક શખ્સને પોલીસે પકડી પાડી તેની પાસેથી રૂા. 45,000ની પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો, પરંતુ તેણે આ સિગારેટ કયાંથી મેળવી અને કોને આપવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી. ગાંધીધામના બેન્કિંગ સર્કલ નજીક અગ્રવાલ રોડલાઇન્સ સર્વિસ રોડ પર ચાર્ટર્ડ બસની ઓફિસ પાસે બ્લૂ રંગનું જીન્સ તથા ટી-શર્ટ પહેરીને ઊભેલા શખ્સ પાસે પ્રતિબંધિત સિગારેટ હોવાની પૂર્વ બાતમીના આધારે બપોરના અરસામાં પોલીસે કાર્યવાહી કરી હતી. અહીં ઊભેલા વર્ણનવાળા દીપેશ ઘનશ્યામદાસ ગીધવાણી (રહે. સિન્ધુબાગ પાછળ વોર્ડ-7. ડી.) નામના શખ્સને પોલીસે પકડી પાડયો હતો. આ શખ્સ પાસે રહેલા બોકસની તપાસ કરાતાં તેમાંથી પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. આ શખ્સ પાસેથી એલ્ફબાર રાયા ડી-બેની બ્લૂબેરી રાસ્પબેરીના પાંચ વેપ, બ્લૂબેરી આઇસના પાંચ વેપ, મેંગોપીચના પાંચ વેપ, મેંગોના પાંચ વેપ, પીચ આઇસના પાંચ વેપ અને પીચ બેરીના પાંચ વેપ જપ્ત કરવામાં આવ્યા હતા. આ શખ્સ એક વેપ રૂા. 1500માં વેચતો હતો. તેની પાસેથી 45,000ના 30 વેપ હસ્તગત કરાયા હતા. પકડાયેલા દીપેશ ગીધવાણીએ આ પ્રતિબંધિત ઇ-સિગારેટનો જથ્થો કયાંથી મેળવ્યો હતો અને કોને વેચતો હતો તે બહાર આવ્યું નહોતું જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.