ચેક પરત કેસમાં ગાંધીધામના વેપારીને એક વર્ષની સજા
ચેક પરત ફરવાના કેસમાં ગાંધીધામના વેપારીને એક વર્ષની કેદની સજાનો હૂકુમ કરાયો હતો. જ્યારે ભુજમાં માછીમારના હત્યાના ચકચારી કેસમાં મહિલા આરોપીનની જામીન અરજી નામંજૂર થયા હતા. ફરિયાદી હરેશ બાબુલાલ જોશીએ આરોપી ચંદન દેવાનંદ ગુવાલાણી (ચંદન કલોથ સ્ટોર, ગાધીધામ)વાળાને મિત્રતા અને સારા સંબંધના નાતે રૂા. ત્રણ લાખ ઊછીના આપ્યા હતા અને ચૂકવણી માટે આપેલો ચેક અપૂરતા ભંડોળના કારણે પરત ફરતા થયેલી ફરિયાદ બાદ ભુજના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તથા રૂા. પાંચ લાખ વળતર તરીકે ફરિયાદીને ચૂકવવા અને આરોપી હાજર ન હોઇ સજાનું વોરંટ ઇસ્યૂ કરવા હુકમ કર્યો હતો. ફરિયાદી તરફે એડવોકેટ રામલાલ એમ. ઠક્કર અને તારક આર. ઠક્કર તથા નિશાંત આર. ઠક્કર હાજર રહ્યા હતા. અબડાસાના કંકાવટી ડેમમાં માછીમારી માટે ભુજથી પીકઅપ ગાડી મારફત નીકળેલા માછીમારોની ગાડીના ચાલકે પૂરઝડપે ચલાવતા રમેશ કોલી સાથે થયેલી રકઝકના લીધે ગાડી પરત ભુજ લઇ આવ્યા બાદ સરપટ નાકા બહાર આશાબા પીરની દરગાહ સામે ગાડી ચાલક એવા કરશન ઉર્ફે મામા તેના બે દીકરા ગોવિંદ અને અરવિંદ તથા પત્ની રમીલા ઉર્ફે મમલીએ રમેશ સાથે ઝઘડો કરી ઘાતક હથિયારોથી વાર કરી તેની હત્યા નીપજાવી હતી. આ કેસમાં ચાર્જશીટ થતાં મહિલા આરોપી રમીલા ઉર્ફે મમલી કરશન ઉર્ફે મામા દેવા કોલીએ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરતાં તેના જામીન નામંજૂર થયા છે. મૂળ ફરિયાદ પક્ષે ધારાશાત્રી કે. પી. ગઢવી તથા સરકારી વકીલ દિનેશ જે. ઠક્કર હાજર રહ્યા હતા.