વરસામેડીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપી જેલ હવાલે

copy image

copy image

અંજારના  વરસામેડીમાં અરિહંત નગર વિસ્તારમાં શંભુરામ રામઆશિષ રામ નામના આધેડની હત્યા તેના રૂમ પાર્ટનરે જ કરી હોવાનું બહાર આવતાં પોલીસે આ શખ્સની અટક કરી હતી. વરસામેડીના અરિહંત નગર (ચૌધરી કોલોની)માં રહી વેલસ્પન કંપનીના બગીચામાં સારસંભાળનું કામ કરનાર શંભુરામ નામના યુવાનની બે દિવસ પહેલાં હત્યા થઇ હતી, તેના રૂમ પાર્ટનર ટુનટુન પ્રસાદે કોઇ અજાણ્યા બુકાનીધારી શખ્સે પથ્થર જેવા પદાર્થ વડે હુમલો કરી આધેડ ઉપર હુમલો કર્યો છે તેમ કહી આધેડને હોસ્પિટલ લઇ જવાનો ઢોગ કર્યો હતો. આધેડને ભુજ લઇ જવાયા બાદ તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવ અંગે પોલીસે અજાણ્યા બુકાનીધારી શખ્સે કોઇ કારણોસર આધેડની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધી હતી. ગંભીર એવા હત્યાના આ બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી આસપાસની ઓરડીઓમાં રહેતા લોકોની સઘન પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ વગેરે પણ તપાસ્યા હતા. દરમ્યાન ટુનટુન ચંદ્રમા કુશ્વાહ નામનો રૂમ પાર્ટર શંકાસ્પદ જણાયો હતો. તેની યુકિત પ્રયુક્તિથી કડક રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ શખ્સ ભાંગી પડયો હતો અને પોલીસ સમક્ષ ગુનાની કબૂલાત આપી હતી. ટુનટુન નામનો શખ્સ સમય ઉપર જમવાનું ન બનાવે કે રાત્રે મોડો આવે અથવા રૂમમાં સાફસફાઇ ન જાળવે ત્યારે  શંભુરામ તેના પર ગુસ્સે થતો હતો અને ક્યારેક માર પણ મારતો હતો જે વાતની ખુન્નસ રાખીને બનાવની રાત્રે શંભુરામ સૂતો હતો ત્યારે તેણે પથ્થર ઉપાડી  તેના કપાળમાં ઝીંકી દીધો હતો, જેમાં તેનું મોત નીપજયું હતું. ટુનટુનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.