પત્રીના ચકચારી હત્યા કેસના આરોપી ઉપર છ શખ્સોનો હુમલો
મુંદરા તાલુકાના પત્રીના યુવાન પૃથ્વીરાજસિંહ જાડેજાના ચકચારી હત્યા કેસના આરોપી અને રાજકીય આગેવાન એવા ધીરુભા શિવજી જાડેજા ઉપર હત્યાનો મનદુ:ખ રાખી છ શખ્સોએ ઘાતક હુમલો કર્યો હતો. આ અંગે પ્રાગપર પોલીસ મથકે ધીરુભા જાડેજા (રહે. હાલ મોરબી, મૂળ વિરાણી, તા. મુંદરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ સાંજના અરસામાં કુંદરોડીમાં હત્યાના મનદુ:ખમાં આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા દિલીપસિંહ જાડેજા, ગુલાબસિંહ શિવુભા જાડેજા, યુવરાજસિંહ ઝાલુભા જાડેજા, અજિતસિંહ ચાંદુભા જાડેજા, કનકસિંહ રણજિતસિંહ જાડેજા અને એક અજાણ્યા ઈસમ (રહે. તમામ પત્રી)એ ગેરકાયદેસર મંડળી રચી એકસંપ થઈ ફરિયાદીને ગાળાગાળી કરી મૂઢમાર મારી અને કનકસિંહે ફરિયાદીને માથાંમાં ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહાવ્યથા અને હથિયારબંધીના જાહેરનામાંના ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.