રાપરમાં વાહન ચલાવવા મુદ્દે યુવાન ઉપર હુમલો
રાપરના પાંજરાપોળ પાછળ ભવાનીપાર્ક સોસાયટીમાં વાહન ચલાવવા મુદ્દે ડખો થતાં બે શખ્સોએ યુવાન ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. રાપરમાં પાવરહાઉસ પાછળ હનુમાન મંદિરની બાજુમાં રહેનાર પીરા જોધા ભરવાડ નામનો યુવાન ગત તા. 19/8ના રાતના અરસામાં જમી પરવારીને બાઇક લઇ બજારમાં ગયો હતો. ત્યાંથી પરત આવતી વેળાએ પાંજરાપોળ પાછળ ભવાનીપાર્ક સોસાયટીમાં પહોંચતાં આરોપી સુરેશ જેમલ કોળી તથા મુકેશ ધીંગા ચાવડા નામના શખ્સોએ તેને રોકાવી કેમ ફૂલ સ્પીડમાં જાય છે તેમ કહી તેની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ઉશ્કેરાઇને ધોકા ઉપાડી યુવાન પર હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને વધુ સારવાર અર્થે સામખિયાળી લઇ જવાતાં તેને પગમાં અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.