અંજારમાં પુત્રી પર દુષ્કર્મના કેસમાં પાલક પિતાને આજીવન કેદની સજા
અંજારમાં પાલક પિતાએ સગીર વયની પુત્રી પર નજર બગાડી તેણીને હવસનો શિકાર બનાવી હતી. ત્યારે આ કેસમાં અંજારની સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી ધાક બેસાડતો હુકમ કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, કિશોરીની માતા ભુજથી ભાગીને પાલક પિતા પાસે જતી રહી હતી. દરમ્યાન પુન: મહિલા બાળકોને મૂકીને જતી રહી હતી, જેથી બાળકી ભાઈઓ સાથે પાલક પિતા પાસે રહેતી હતી. તેવામાં પાલક પિતાએ અંજાર તાલુકામાં વાડીએ કપાસનું ખેતી કામ રાખેલું હતું, જેથી પરિવાર ત્યાં મજૂરી કામ કરતો હતો ત્યારે એક દિવસ પરિવાર મજૂરી કામે ખેતરમાં જતાં પિતાએ ઓરમાન પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ધાકધમકી કરી વારંવાર બાળકીને હવસનો શિકાર બનાવી હતી. થોડા સમય બાદ અન્ય એક વાડીએ પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. આ વાતની જાણ વાડી માલિકને થતાં આરોપીને કામેથી કાઢી મૂક્યો હતો. બાળકી પોતાના વતનમાં ચાલી ગઈ હતી અને ત્યાં કાકાના દીકરાને આપવીતી સંભળાવી હતી. જેઓ પોલીસ મથકે લઇ જતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપીની ધરપકડ કરી લીધી હતી. દરમ્યાન આ કેસ ચાલી ગયો હતો, જેમાં 20 જેટલા સાક્ષીઓ અને 50 જેટલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે. શુક્લ દ્વારા પાલક પિતાને ધી પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એકટ 2012ની કલમ-6 અન્વયે આજીવન કેદની સખત સજા તથા રૂા. 30,000નો દંડ કરાયો હતો. તેમજ દંડની રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદની સજા ફટકારાવામાં આવી હતી. આ ઉપરાંત વળતર માટેની યોજના અંતર્ગત બાળકીને રૂા. 5 લાખનું વળતર આપવાનો હુકમ પણ કરાયો હતો. આ કેસમાં અંજારના મદદનીશ સરકારી વકીલ આશિષકુમાર.પી. પંડયા હાજર રહી દલીલો કરી હતી.