જીએસટી નંબરના ઉપયોગ સાથે બિલો બનાવી ગાંધીધામના વેપારી સાથે રૂા. 23 લાખની છેતરપિંડી
ગાંધીધામ માં જી.એસ.ટી. નંબરના ઉપયોગ કરી માલના વેચાણ તથા ઈ-વે બિલો બનાવવા સાથે પેઢીના સંચાલક સાથે ચાર લોકોએ રૂા. 23.20 લાખનો વિશ્વાસઘાત કર્યો હોવાનો મામલો પોલીસે મથકે નોંધાયો હતો. ગાંધીધામમાં ડી.એસ. મરીન નામની શિપિંગ કંપનીમાં એકાઉન્ટ અને બિલિંગનું કામ અને ઉમા એજન્સી કપનીમાં કમિશનથી વેપાર કરતા વિનોદભાઈ શંકરલાલ બુટાણી (સિંધી)એ આરોપી મહમદ મુસ્તફા ખાન, પપ્પુભાઈ બારોટ, વિરાંશ ઈમ્પોર્ટસવાળા મોહિતભાઈ અને તેમના પાર્ટનર ભૌતિકભાઈ રાજકોટવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામના બી.એમ. પેટ્રોલપંપ પાછળ આવેલા ગ્લોબલ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ નામની આરોપી મુસ્તફા ખાનની ઓફિસથી ગત તા. 1/2/2024થી તા. 4/3/2024 સુધીના અરસામાં છેતરપિંડીનો બનાવ બન્યો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી મિત્રતાના નાતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમની ઉમા એજન્સીના નામના જી.એસ.ટી.નો ઉપયોગ કરી માલ વેચાણ તથા ઈ-વે બિલો બનાવડાવી તે માલ વેચાણના રોકડા રૂા. 10 લાખ લઈ બાકી રહેલ માલનું વેચાણ બિલ ગ્લોબલ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના નામે બનાવવાનું હોવાથી બાકી નીકળતા રૂા. 13.20 લાખ સાથે કુલ રૂા. 23.20 લાખ ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ ઉપરાંત આરોપીઓએ ફરિયાદીની ઉમા એજન્સીના ખોટા રાઉન્ડ શીલ બનાવી તેનો ખોટો ઉપયોગ કરી સહી-સિક્કા કરી છેતરપિંડીના બનાવને અંજામ આપ્યો હોવાનું ફરિયાદમાં વર્ણવામાં આવ્યું છે. સમગ્ર મામેલ પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.