ગાંધીધામમાં 10 શખ્સનો પાંચ લોકો ઉપર હુમલો
ગાંધીધામના ખોડિયારનગર વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી રચી 10 જણે લોખંડના પાઈપ અને છરી વડે હુમલો કરી પાંચ લોકોને ઈજા પહોંચાડી હતી. ખોડિયારનગર આરોપી સુનીલ દેવીપૂજકના ઘર આગળ ગત તા. 22/8ના બપોરે બે વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો. ફરિયાદી રવિ કરમશીભાઈ દેવીપૂજકે આરોપી સુનીલ દેવીપૂજક, અનિલ દેવીપૂજક, અશોક દેવીપૂજક, અરવિંદ દેવીપૂજક, ભાવેશ કિશન, પ્રવીણ કિશન, આલીક દેવીપૂજક, રામુ દેવીપૂજક, સની લાલજી દેવીપૂજક, કિશન સવજી દેવીપૂજક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીના ભાઈ તુલસી દેવીપૂજક પાસેથી આરોપી અનીલ દેવીપૂજકે ધંધો કરવા પૈસા માગ્યા હતા, જે ન આપતાં મનદુ:ખ રાખી આરોપીએ લોખંડના પાઈપ, ટામી, છરી વડે હુમલો કર્યો હતો. આ બબાલમાં ફરિયાદી તથા તેમના ભાઈ તુલસીભાઈ, ફરિયાદના વેવાણ હિરાબેન, વેવાઈ નટુભાઈ પ્રવીણ દેવીપૂજક તથા હરેશભાઈને ઈજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.