વોંધ પાસે રૂા. 12.40 લાખના વીજવાયરો અને સાધનોની ઉઠાંતરી
ભચાઉ તાલુકાના વોંધ સીમમાં ગેટકોની 400 કે.વી. લાઈન નાખવાના ચાલતાં કામ દરમ્યાન અજાણ્યા ઇસમોએ વીજકેબલ અને હાર્ડવેર ફિટિંગની ચીજવસ્તુ સહિત કુલ રૂા. 12,40,550ના મુદ્દામાલની ચોરી કરી હોવાનો મામલો બહાર આવ્યો હતો. બજેલ પ્રોડક્ટ્સ લિ.ના મેનેજર તરીકે છેલ્લાં બે વર્ષથી કામ કરતા ઉમાશંકર રામજીપ્રસાદસિંગ ચંદે (ક્ષત્રિય)એ નોંધાવેલ ફરિયાદ મુજબ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશનની વીજલાઈન 400 કે.વી. વરસાણાથી હળવદ પેકેજની વોંધ ટાવર લોકેશન 28/9થી 29/9 વચ્ચેના નવ ટાવરમાંથી 10,300 મીટર વાયરની ચોરી થઈ હતી, જેની કિંમત રૂા. 9,88,800 આંકવામાં આવી હતી. આ ઉપરાંત તસ્કરોએ હાર્ડવેર ફિટિંગની ચીજવસ્તુઓ કિં. રૂા. 2,51,750 લઈ ગયા હતા. આ વીજલાઈન નાખવાનું કામ બજેલ પ્રોડક્ટ્સ લિમિટેડ સંભાળી રહી છે. ચોરીનો આ બનાવ ગત તા. 15/5થી તા. 2/7 સુધીના અરસામાં બન્યો હતો. પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવા અને આ કૃત્યમાં સામેલ આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.