અંજારમાં ઊંચા વ્યાજ અંગે બે મહિલા સહિત વિરુદ્ધ ત્રણ ફરિયાદ
copy image

અંજારમાં ઊંચા વ્યાજે પૈસા આપી વધુ પૈસાની માંગ કરી એક મહિલાના દાગીના, સરસામાન તથા ચેક ગીરો મૂકતા બે મહિલા સહિત ત્રણ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારમાં રહેતા મુમતાઝબેન આમદ નૂરમામદ લુહારે અંજારની રિયા ઇશ્વર ગોસ્વામી, આરતી ઇશ્વર ગોસ્વામી અને તેજસ ઇશ્વર ગોસ્વામી વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પતિ મધુમેહ (ડાયાબિટીસ)ના દર્દી છે. વર્ષ 2013થી 2024 દરમ્યાન ફરિયાદીએ રોયલ ફાયનાન્સના આ આરોપીઓ પાસેથી પોતાના પતિની બીમારીના કારણે ટુકડે-ટુકડે કુલ રૂા. નવ લાખ 10 ટકા વ્યાજે લીધા હતા, જે પૈકીના રૂા. 2,99,600 તેમણે ભરી નાખ્યા છે. તેની અવેજમાં સોનાની બંગડી, વીંટી નંગ-4, સોનાની બુટી જોડી નંગ-3, ચાંદીના સાંકળા પાંચ જોડી, બે જોડી ચાંદીની બંગડી, ચાંદીની પોંચી, સોનાની કાનની બુટી, સોનાના પાંચ દાણા, સોનાના બે પેન્ડલ, ત્રણ મોબાઇલ, ફરિયાદીના ભાઇ અબ્દુલ રજાક અબ્દુલ શકુર લુહારના બે ચેક, ચાર ગેસ સિલિન્ડર, એક કૂલર ગીરો રાખી લીધા હતા. નિયમિત વ્યાજ ભરવા છતાં ફરિયાદીએ ગીરો મૂકેલી વસ્તુઓ પરત માગી હતી ત્યારે આરોપીએ બળજબરીપૂર્વક ફરિયાદીના કોરા ચેક પડાવી લીધા હતા અને વારંવાર ફોન કરી વ્યાજની માંગ કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.