ભુજમાં નિર્લ્લજ હુમલાના ચર્ચાસ્પદ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
copy image

ભુજમાં હોસ્પિટલ રોડ સ્થિત બગીચા નજીકની અવાવરુ જગ્યામાં શ્રમજીવી પરિવારની સગીરા ઉપર નિર્લ્લજ હુમલો કરવાના ઓક્ટોબર-2019ના ભારે ચર્ચાસ્પદ કિસ્સામાં આરોપી ભુજમાં મુંદરા રોડ ખાતે લેવા પટેલ હોસ્પિટલ સામેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા કાનો ઉર્ફે કનૈયો દલારામ મારવાડીને નિર્દોષ મુક્ત કરતો ચુકાદો અપાયો હતો. કેસના સાક્ષીઓના નિવેદનમાં વિરોધાભાષને કેન્દ્રમાં રાખીને ખાસ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. 22મી ઓક્ટોબર-2019ના સાંજ અરસામાં બનેલી આ ઘટનામાં શ્રમજીવી માતા-પિતા સાથે કામ કરવા આવેલી આ કેસની ભોગ બનનારી સગીર વયની કન્યા લઘુશંકા કરવા માટે અવાવરુ જગ્યાએ ગઇ ત્યારે આરોપીએ તેની એકલતા ભાળી તેની છેડતી કરવા સાથે નિર્લ્લજ હુમલો કર્યો હતો. આ બાબતે ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. જે-તે સમયના ચકચારી એવા આ કિસ્સાનો કેસ અત્રેની પોક્સો ધારાના કેસો માટેની ખાસ અદાલત સમક્ષ ચાલ્યો હતો. સુનાવણી દરમ્યાન પાંચ સાક્ષી અને બે દસ્તાવેજી પુરાવા તપાસાયા હતા. બન્ને પક્ષને સાંભળી સાક્ષીઓના નિવેદનમાં જોવા મળેલા વિરોધાભાષને લઇને ન્યાયાધીશે આરોપી કાનો ઉર્ફે કનૈયા મારવાડીને નિર્દોષ મુક્ત કરતો ચુકાદો આપ્યો હતો. આરોપી વતી વકીલ તરીકે સંતોષાસિંહ આર. રાઠોડ અને ચિન્મય એચ. આચાર્ય હાજર રહ્યા હતા.