ભુજમાં ધોળા દિવસે વકીલનાં મકાનમાંથી 1.96 લાખની ચોરી
copy image

ભુજના હાર્દસમા ધમધમતા વિસ્તારમાં ધોળા દિવસે વકીલનાં ઘરને તસ્કરોએ નિશાન બનાવી બે લાખનું ખાતર પાડી પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે. ભુજની ઓરિએન્ટ કોલોનીમાં વકીલ દર્શકભાઇ કિશોરચંદ્ર બુચના ઘરમાંથી થયેલી આ તસ્કરી અંગે બી-ડિવિઝન પોલીસ મથકે દર્શકભાઇના પુત્ર મલ્હારભાઇ બુચ (એડવોકેટ)એ નોંધાવેલ ફરિયાદ મુજબ બપોરે એક વાગ્યાના અરસામાં તેઓ મામાના ઘરે કૌટુંબિક જમણવાર અર્થે ગયા હતા અને દોઢેક કલાક બાદ પરત ફરતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજા ખૂલા હતા અને રૂમ તથા કબાટના સામાન અસ્ત-વ્યસ્ત હતા. અજાણ્યા ચોર ઇસમે ઘરની અંદર અલગ-અલગ કબાટમાં રાખેલા રોકડા રૂા. 1,46,000 તથા સોનાની બે બંગડી કિં. રૂા. 50,000 એમ કુલ્લે રૂા. 1,96,000ની મતા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે, ઓરિએન્ટ કોલોની ધમધમતો વિસ્તાર છે અને ધોળા દિવસે બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ પોલીસને રીતસરનો પડકાર ફેંક્યો છે.