રાપરના ચિત્રોડમાં ગૌશાળાની ગાયો મુદ્દે આધેડ ઉપર ચાર શખ્સોનો હુમલો
copy image

રાપરના ચિત્રોડમાં ગૌશાળાની ગાયો બહાર કાઢતા નહીં તેવી ધમકી આપી ચાર શખ્સો મારામારી કરતાં આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. ચિત્રોડમાં રહેતા ફરિયાદી પુંજા ધના પટણી (પટેલ) ઘરે હતા ત્યારે આઇ દેવ ગૌશાળાના સંચાલક સુરેશ ધરમશી ગજોરા (પટેલ)નો ફોન આવ્યો હતો અને જેઠાસરીવાળા માના રબારી આઇ માતા મંદિર પાસે વાત કરવા બોલાવે છે, તેવું કહેતાં ફરિયાદી ધનજી રાવરિયા અને બાબુભાઇ મંદિર પાસે જતાં આરોપી માના વજુ રબારી, વિરામ સુરા રબારી, ડાયા સુરા રબારી અને વજુ હીરા રબારી લાકડીઓ લઇને ઊભા હતા. ફરિયાદી તેમની સાથે વાત કરતા હતા ત્યારે ગૌશાળાના સંચાલક સુરેશભાઇ આવતાં આ શખ્સોએ ગાળાગાળી કરી સુરેશને માર મારી બાબુભાઇ તથા ધનજી રાવરિયાને ગળાના ભાગેથી પકડી લેતાં ફરિયાદી છોડાવવા વચ્ચે પડતાં તેમના ઉપર લાકડી વડે હુમલો કરાયો હતો. શખ્સોએ જતાં જતાં ગૌશાળાની ગાયો બહાર કાઢતા નહીં, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવમાં આધેડને અસ્થિભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.