ભુજ અને માંડવીના શખ્સો સાથે ટેલિગ્રામ-ક્રેડિટકાર્ડના નામે 2 લાખની છેતરપિંડી

copy image

copy image

આજના આધુનિક સમયમાં ડિજિટલ પોકેટમાર રોજેરોજ નિતનવાં પેંતરા અજમાવી લોકોને પોતાની જાળમાં સપડાવી રહ્યા છે. આવી જ લાલચમાં આવી જવાથી ભુજના શખ્સે રૂા. એક લાખ અને માંડવીના શખ્સને રૂા. 1,07,163 ઓનલાઇન ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે, સાયબર સેલે તેઓને મદદરૂપ થઇ ગુમાવેલી રકમમાંથી એક કિસ્સામાં પૂરેપૂરી તો એકમાં અમુક રકમ પરત અપાવી છે. માંડવીના નિર્મલભાઇને એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. તમારા ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટ આવ્યા છે અને ખાતામાં જમા કરાવવા આજે છેલ્લો દિવસ છે અને સાથે લિન્ક મોકલાવી હતી. નિર્મલભાઇએ લિન્ક ખોલી વિગતો ભરીને ઓટીપી નાખતાં સામાવાળાએ અરજદાર નિર્મલભાઇનો મોબાઇલ હેક કરી ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂા. 1,07,163 ઉપાડી લઇ ઓનલાઇન છેતરપિંડી કરી હતી. અન્ય કિસ્સામાં ભુજના અરજદાર ગોપબંધુ જેનાને ટેલિગ્રામ એપ મેસેજ આવ્યો હતો કે, શેરબજારમાં રોકાણ કરવાથી ત્રણગણું વળતર આપવામાં આવશે. આથી અરજદાર લાલચમાં આવી કુલે રૂા. એક લાખ મોકલાવ્યા બાદ સામેવાળાએ કોઇ વળતર ન આપી અરજદારનો સંપર્ક બંધ કરી દીધો હતો. બંને અરજદારોને જે વેળાએ ખ્યાલ આવ્યો કે તેમની સાથે ઠગાઇ થઇ છે ત્યારે તુરંત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક સાધ્યો હતો. બંને કિસ્સામાં સેલ મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ એનાલિસીસ કરી માંડવીના શખ્સની પૂરેપૂરી રકમ પરત અપાવી હતી જ્યારે ભુજના અરજદારે ગુમાવેલી રકમમાંથી રૂા. 50 હજાર પરત અપાવ્યા હતા. નોંધનીય છે કે, આજના આધુનિક જમાનાના ડિજિટલ પોકેટમારોથી બચવા સાવધાની અતિ જરૂરી છે. કોઇ અજાણ્યા નંબરથી આવતા ફોન કોલ અને મેસેજથી દૂર રહેવું જ હિતાવહ છે.