બાલાસર પાસે કારમાંથી 1.28 લાખના દારૂ સાથે એકની ધરપકડ

copy image

copy image

રાપર તાલુકાના છેવાડાના બાલાસર અને જાટાવાડા વચ્ચેથી પોલીસે એક કારમાંથી રૂા. 1,28,300નો અંગ્રેજી શરાબનો જથ્થો કબ્જે  કરી શખ્સની અટક  કરી હતી. જો કે, એક શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. જાટાવાડા બાજુથી બાલાસર તરફ નંબર પ્લેટ વગરની ડસ્ટર ગાડીમાં બે ઇસમો દારૂ ભરીને આવી રહ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે હનુમાન મંદિર નજીક વોચ ગોઠવી હતી. દરમ્યાન ગત રાત્રે એક ગાડી આવતાં પોલીસે તેને રોકાવવાની કોશિશ કરતાં ચાલકે માર્ગની બાજુમાં વાહન હંકારી દેતાં તેનું વાહન દીવાલ સાથે અથડાયું હતું. કારમાંથી બે ઇસમો  ઊતરી નાસવા લાગતાં પોલીસે દોડીને બનાસકાંઠા વાવના ધીરજ ગગા મણવરને પકડી પાડયો હતો, જ્યારે વાવનો હરેશ કરશન ઉર્ફે કશા મણવર નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ શખ્સોએ ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી હતી. પોલીસે જી. જે. 01-આર.એફ.-7013વાળી નંબર પ્લેટ હસ્તગત  કરી હતી. બન્ને  શખ્સે કારની પાછળની સીટ કાઢી ત્યાં દારૂનો જથ્થો સંતાડયો હતો. આ કારમાંથી ગોડફાધર બિયરના 498 ટીન, કિંગફિશરના 331 ટીન, રોયલ કલાસિક વ્હીસકીના 180 એમ.એલ.ના 406 પાઉચ, વાઈટલેસ વોડકાના 180 એમ.એલ.ના 48 ક્વાર્ટરિયા એમ કુલ રૂા. 1,28,300નો દારૂ પોલીસે કબ્જે  કર્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરાતાં દારૂનો આ જથ્થો રાપર તાલુકાના રવ ગામના અમીરાજસિંહ અરજિતસિંહ જાડેજા નામના શખ્સને આપવા જઈ રહ્યા હતા. ફોરસેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ આ માલ રાજસ્થાનમાંથી કયાંથી આવ્યો હતો. તે હજુ બહાર આવ્યું નથી, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.