આદિપુરમાં એક વૃદ્ધ પૈસા લઈ અન્યને મકાન વેચાતાં પોલીસ ફરિયાદ
copy image

આદિપુરમાં એક વૃદ્ધ પાસેથી રૂા. 15 લાખ મેળવી મકાનના સાટાકરાર કરી આપી બાદમાં બીજી વ્યક્તિને મકાન વેચી સાટાકરાર કરાતાં એક ઈસમ વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આદિપુરમાં રહેનાર નિવૃત્ત અને વૃદ્ધ એવા ફરિયાદી જમતુભાઈ પદારામ નાગરાજાએ શિણાયના જયંતી રવજી ઉમરાણિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વોર્ડ-2-એ સી.બી. એક્સ મકાન નંબર 144માં રહેનાર ફરિયાદીએ આ મકાન દમયંતીબેન રવજી ઉમરાણિયા પાસેથી તેમના પુત્ર જયંતીની હાજરીમાં રૂા. 30,25,000માં ખરીદ્યું હતું. સોદો નક્કી કરાયા બાદ રૂા. 10 લાખનો ચેક આપી કબજા સહિતનો વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. ટાઈટલ વગેરે ક્લીયર કરાવી અપાશે ત્યારે ખરીદનાર બાકીની રકમની ભરપાઈ કરી આપશે તેવું નક્કી કરાયું હતું. જયંતી ઉમરાણિયાએ દસ્તાવેજ રજિસ્ટર કરાવવા ફરિયાદી પાસેથી રૂા. 5 લાખ બીજા લીધા હતા. કુલ રૂા. 15 લાખ મેળવી મકાનના અસલ દસ્તાવેજની ફાઈલ કે મકાન ફરિયાદીનાં નામે ન કરી આપી તેમની જાણબહાર બીજાને મકાન અંગેનો સાટાકરાર બનાવી આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત- છેતરપિંડી કરાઈ હોવાનું પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવાયું હતું.