કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને ૧૦ વર્ષની કેદની સજા
copy image

ગાંધીધામમાં રહેતા અને મૂળ પાટણના શંખેશ્વરના પંચાસરના શખ્સે એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવાતાં પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આ કેસ ગાંધીધામના અધિક સેશન્સ જજ અને પોક્સો કોર્ટના ખાસ જજ સમક્ષ ચાલી જતાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, ગાંધીધામમાં રહેતો અને મૂળ પાટણના શંખેશ્વરના પંચાસરના સંજય રાજેશભાઈ વાલ્મીકિ નામના શખ્સે એક કિશોરીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ બનાવની કિશોરના પરિવારને જાણ થતાં તેઓ દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં સંજય રાજેશભાઈ વાલ્મીકિ વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ અને પોકસોની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપી સંજયની અટક કરી હતી. આ અંગેનો કેસ ગાંધીધામની અધિક સેશન્સ જજ અને પોકસો કોર્ટના ખાસ જજ બસંતકુમાર ગોલાણી સમક્ષ ચાલી જતાં બંને પક્ષોના વકીલોની દલીલો, રજૂઆતો તેમજ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને લીધા પછી આરોપી સંજય રાજેશકુમાર વાલ્મીકિને દોષિત ઠરાવીને આઈપીસી ૩૬૩ હેઠળ પાંચ વર્ષની સજા અઅને રૂ.૭,૫૦૦નો દંડ, આઈપીસી ૩૬૬ હેઠળ ૭ વર્ષની સજા અને રૂ.૭.૫૦૦નો દંડ તેમજ ૩૭૬ (જે) (એન) (૨) હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂ.૧૫ હજારનો દંડ તથા પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૧૦ વર્ષની કેદ અને રૂ. ૧૫ હજારનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે આરોપીને તમામ સજા એકસાથે ભોગવવાની અને કોર્ટે દંડની રકમમાંથી રૂ.૪૦ હજાર અને વિક ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ એક લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનાર દીકરીને વળતર પેટે ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સરકારી વકીલ મહેન્દ્રસિંહ આર. જાડેજા રોકાયા હતા.