વરસામેડી સીમમાં કારમાંથી 1.32 લાખનો શરાબ ઝડપાયો
copy image

અંજાર તાલુકાના વરસામેડી સીમ શાંતિધામ સોસાયટી નજીક એક કારમાંથી પોલીસે રૂા. 1,32,145નો અંગ્રેજી શરાબ હસ્તગત કર્યો હતો. જો કે, કાર્યવાહી દરમ્યાન આરોપીનું નામ સુદ્ધાં બહાર આવ્યું નહોતું. વરસામેડીના શાંતિધામમાં રામ ચોકમાં પોલીસે સવારના અરસામાં કાર્યવાહી કરી હતી. ગાંધીધામ ગળપાદર બાજુથી એક કારમાં શખ્સ દારૂ ભરીને શાંતિધામ બાજુ આવતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે શાંતિધામ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી તેવામાં બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને રોકાવવા જતાં કારચાલકે પોતાનું વાહન હંકારી દીધું હતું. પોલીસે તેનો પીછો કર્યો હતો. દરમ્યાન, શખ્સે રામ ચોકમાં પોતાનું વાહન ઊભું રાખી દરવાજા ખુલ્લા મૂકીને નાસી ગયો હતો. અહીં ઉભેલી કાર તપાસ કરાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. કારમાંથી પોલીસે ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશિયલ વ્હીસ્કી 750 મિ.લી.ની 169 બોટલ, 8 પી.એમ. સ્પેશિયલ રેર વ્હીસ્કી 750 મિ.લી.ની 117 બોટલ એમ કુલ 286 બોટલ કિંમત રૂા. 1,32,145નો અંગ્રેજી શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલો આ દારૂ કોણ અહીં લાવ્યું હતું, કોને આપવાનો હતો કે ક્યાંથી લઇ આવ્યો હતો કે કારમાં કોણ સવાર હતું તે સહિતની વિગતો બહાર આવી નહોતી.