મુંદરામાં ગણેશજીની મૂર્તિ લઈને  આવતા સમાઘોઘાના ભાવિકો પર હુમલો

copy image

copy image

મુંદરામાં ગણેશજીની મૂર્તિ લઈ જવા સમયે ભાવિક દ્વારા બાઈક સાઈડમાં રાખવાનું કહેવાતાં ઉશ્કેરાયેલા ઇસમોએ  તલવાર સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કરવાનો બનાવ મુંદરા પોલીસ મથકના મથકે  ફરિયાદ સ્વરૂપે ચડયો હતો. આ મામલો મુંદરામાં ચર્ચાસ્પદ બન્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, સવારના અરસામાં ગણપતિની મૂર્તિ લેવા મુંદરા આવેલા સમાઘોઘાના ભાવિકો પરત ફરતા હતા ત્યારે ફરિયાદી યુવરાજસિંહ રણજિતસિંહ જાડેજાએ બાઈક સાઈડમાં લેવાનું કહેતાં હમજા, ફારુક અને અન્ય ત્રણ અજાણ્યા ઇસમો  ઉશ્કેરાઈ ગયા હતા અને તલવાર સહિતના ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો, જેમાં ફરિયાદી ઘવાયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘવાયેલા યુવકને માથા તથા ખભાના ભાગે ઈજા થતાં તેને પ્રથમ મિમ્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. તા.પં. પ્રમુખ મહિપતસિંહ જાડેજા, સમાઘોઘાના ઉપસરપંચ મહાવીરસિંહ જાડેજા, મુંદરા તા. ભાજપ મહામંત્રી રવાભાઈ આહીર, ભુજપરના ઉપસરપંચ માણેકભાઈ ગઢવી તથા સુખદેવસિંહ જાડેજા પણ ત્યાં પહોંચ્યા હતા. ભોગ બનનારને ત્યાંથી ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.