વરસાણામાં લોકોની દવા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી
copy image

અંજાર તાલુકાના વરસાણા નજીક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા એક બોગસ ડોક્ટરને પોલીસે પકડી પાડી તેની પાસેથી મેડિકલને લગતો રૂા. 23,503નો સામાન હસ્તગત કર્યો હતો. વરસાણા ચાર રસ્તા નજીક કિરણ પેટ્રોલ પંપની પાછળ સાંજના અરસામાં પોલીસે છાપો માર્યો હતો. અહીં દુકાન ઉપર સારથિ ઈન્ડિયા સેવાધામ લખીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા મૂળ પશ્ચિમ બંગાળ હાલે નંદગામ રબારી વાસમાં રહેનારા શીતલ રણજિત મંડલ નામના ઈસમને પોલીસે ઝડપી પાડયો હતો. મેડિકલ કાઉન્સિલના કોઈ પણ પ્રમાણપત્ર વગર આ ઈસમ લોકોને એલોપેથીની દવાઓ આપી રહ્યો હતો. તેની આ દુકાનમાંથી પોલીસે સ્ટેથોસ્કોપ, રક્તચાપ માપવાનું મશીન, ઈન્જેકશન, જુદી-જુદી ગોળીઓ, કેપ્સુલ, ક્રીમ, સ્પીરિટની બોટલ, કપાસ વગેરે મળીને કુલ રૂા. 23,503નો મેડિકલને લગતો સામાન જપ્ત કર્યો હતો. આ ઇસમ વિરુદ્ધ ધી મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની જુદી જુદી કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાય સમયથી આવા બોગસ ડોકટરો ઝડપાયા હતા. તેમ છતાં આ બદી સદંતર નાબુદ થતી નથી.