ચેકના કેસમાં માંડવીના શખ્સને એક વર્ષની કેદ : છ લાખ વળતરનો હૂકુમ

copy image

copy image

copy image
copy image

છ લાખ રૂપિયાના મૂલ્યનો ચેક અપૂરતા ભંડોળના કારણે બેન્કમાંથી પાછો ફરતા દાખલ કરાયેલા નેગોશિયેબલ ધારાના કેસમાં માંડવીના મોહમદરોનીફ અબ્દુલ્લઅઝિઝ મેમણને અદાલતે એક વર્ષની કેદ ફટકારી હતી, તો કેસના ફરિયાદી શામળા મુળજી ગઢવીને રૂા. છ લાખ વળતર પેટે ચુકવાય તેવો આદેશ કરાયો હતો. જયારે બીજીબાજુ ભુજમાં ન્યુ લોટસ કોલોની વિસ્તારમાં બનેલા ઇબ્રાહીમ હાસમ કેવરની સરાજાહેર હત્યાના કિસ્સામાં આરોપી નવાઝ ઉર્ફે અકબર ઇકબાલ સમેજાની જામીન અરજી નામંજુર કરાઇ હતી. છ લાખ રૂપિયાના ચેકનો કેસ માંડવીમાં જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલત સમક્ષ ચાલ્યો હતો. બન્ને પક્ષની દલીલો સાંભળી, જરૂરી આધાર-પુરાવા તપાસી આરોપી મોહમદરોનીફ મેમણને તકસીરવાન ઠેરવાયો હતો. આ શખ્સને એક વર્ષની કેદની સજા સંભળાવાઇ હતી. તો આરોપી ફરિયાદીને રૂા. છ લાખ વળતર પેટે ચુકવે તેવો આદેશ કરાયો હતો. એક માસમાં વળતર ન ચુકવાય તો તહોમતદારને વધુ 90 દિવસ કેદમાં રાખવા ચુકાદામાં હુકમ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને ખીમરાજ ગઢવી સાથે અંકિત સી. રાજગોર અને વિજય પી. મોતા રહયા હતા. જયારે ભુજમાં જનરલ હોસ્પિટલ સામેના ન્યુ લોટસ વિસ્તારમાં વાલ્મીકી નગર ખાતે ઇબ્રાહીમ હાસમ કેવરની સરાજાહેર હત્યાના મામલામાં આરોપીઓ પૈકીના નવાઝ ઉર્ફે અકબર સમેજા માટે મુકાયેલી જામીન અરજી જિલ્લા કોર્ટએ નામંજુર કરી હતી. મરનારની માતા શકીનાબાઇએ આ કેસમાં જે તે સમયે નવાઝ ઉર્ફે અકબર સહિત ત્રણ આરોપી સામે ભુજ બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ જામીન અરજીની સુનાવણીમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ પી.વી. વાણીયા અને કેસના ફરિયાદ પક્ષ વતી વકીલ તરીકે આર.એસ. ગઢવી સાથે વી.જી. ચૌધરી, વિશ્વા એન. પરમાર અને હિરેન પી. ગઢવી રહયા હતા.