અંજારમાં વ્યાજખોર ત્રિપુટી સામે વધુ એક પોલીસ ફરિયાદ

copy image

copy image

અંજારમાં ગુજસીટોકની કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેવી બે બહેન તથા તેમના ભાઇ એમ ત્રણ સામે વધુ એક ફરિયાદ પોલીસના મથકે નોંધાઈ હતી. અંજારના વીર ભગતસિંહ નગરમાં રહેનાર ફરિયાદી મહેશ નારણ પ્રજાપતિના દીકરા દિવ્યાંશની તબિયત બરાબર ન રહેતાં આ યુવાને રોયલ ફાઈનાન્સમાંથી 10 ટકા વ્યાજે 5000 લીધા હતા, જેના બે હપ્તા પેટે તેણે રૂા. 1000 ભરી નાખ્યા હતા. બાદમાં તેની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ થતાં તે હપ્તા ન ભરી શકતાં આરોપી રિયા ગોસ્વામી, આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામીએ ઓફિસે બોલાવ્યા હતા અને ફરિયાદી પાસેથી ક્રેડિટકાર્ડ લઇ લીધા બાદ પાસવર્ડ મેળવી લીધા હતા. ફરિયાદી હપ્તા ન ભરી શકતાં આરોપીઓએ તેના કાર્ડમાંથી મોબાઇલ ખરીદી લીધો હતો, જેના હપ્તા ફરિયાદી ઉપર ચડી ગયા હતા. મોબાઇલના આ હપ્તા ભરી આપવા ફરિયાદીએ કહેતાં હપ્તા તો તારે જ ભરવા પડશે તેમ કહી ફરિયાદીને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યો હતો. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.