મુંદરાના નાના કપાયામાં તસ્કરોએ બંધ ઘરમાં 3.52 લાખનું ખાતર પાડ્યું
મુંદરાના નાના કપાયાનાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી નકૂચો તોડી ડ્રેસિંગ ટેબલના ગુપ્ત ખાનામાં રખાયેલા રૂા. 3.52 લાખના સોનાં-ચાંદીના દાગીનાની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી, મુંદરાના નાના કપાયા ગામે આવેલી પૂર્વી પાર્ક સોસાયટીનાં મકાન નં. 74/બીમાં રહેતા ચંદાકુમારી પ્રકાશકુમારે મુંદરા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પતિ મર્ચન્ટ નેવીમાં નોકરી કરે છે અને ચાર-પાંચ મહિને ઘરે આવે છે. ગત તા. 4/9ના તેઓ બાળકોને લઇ ઘર બંધ કરી સંબંધીને ઘરે દિલ્હી ગયા હતા. તા. 7/9ના પડોશીનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તમારાં ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજા ખુલ્લા છે. બીજા દિવસે ઘરે પહોંચતાં ઘરનો સામાન વેરવિખેર હતો અને ડ્રેસિંગ ટેબલના ગુપ્ત ખાનાની ચાવી બેડ નીચે રાખેલી હતી તે ચાવી ગુપ્ત ખાનામાં લાગેલી હતી. આ ખાનામાં રાખેલા દાગીના સોનાંનું મંગળસૂત્ર, હાર, પેન્ડલ ચેઇન, ઝુમકા, કાનની બૂટ્ટી, વીંટીઓ તથા ચાંદીનો ડબ્બો એમ કુલ રૂા. 3,52,000ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.