ટપ્પર પાસે સુરક્ષાકર્મીઓને ધમકી આપી 10 લાખના વાયરની લૂંટ
અંજાર તાલુકાના ટપ્પર ગામની સીમમાં સબ સ્ટેશન નજીક સુરક્ષાકર્મીઓને ધાક-ધમકી આપી છથી સાત લૂંટારુ રૂા. 10 લાખના વીજ વાયરની લૂંટ કરી નાસી ગયા હતા. બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. કિડાણામાં રહેતા તથા એડવેન્ચર સિક્યુરિટી સર્વિસ નામથી એજન્સી ચલાવતા ફરિયાદી ગગુસિંહ ગુમાનસિંહ સોઢાને ગત તા. 26/8ના ભદ્રેશ્વર વિદ્યુત પ્રા. લિમિટેડમાંથી વીજ લાઇનની સુરક્ષાનો કોન્ટ્રાક્ટર મળ્યો છે, જે માટે ફરિયાદીએ ત્રણ સુરક્ષાકર્મી રાખ્યા છે. ભદ્રેશ્વરથી ટપ્પર સુધી આવતી 220 કે.વી. લાઇનમાં 203 ટાવર (થાંભલા) આવેલા છે. આ લાઇનમાં વાવાઝોડાંના કારણે નુકસાન થતાં હાલમાં તે બંધ હાલતમાં છે. આ વીજ લાઇનની સુરક્ષા અર્થે ત્રણ સિક્યુરિટી ગાર્ડ પેટ્રોલિંગમાં હતા, ત્યારે ટપ્પર સીમમાં સબ સ્ટેશન નજીક વીજ વાયરો કપાયેલા છે તે જગ્યાએ જાઓ તેવો ફોન આવતાં ગત તા. 9/9ના રાતના અરસામાં આ ત્રણેય અંકલેશ્વર મંદિરવાળા રસ્તેથી આગળ થાંબલા નંબર 191 પાસે ઊભા રહેતાં ત્યાં બોલેરો (ડાલુ)માં છથી સાત અજાણ્યા ઇસમો આવ્યા હતા અને અમે વાયર કાપીને લઇ જવાના છીએ તેમ કહી કાતર, પાઇપ વગેરે હથિયારો સાથે ત્રણેય ગાર્ડને મારવા દોડતાં આ ત્રણેય ખાનગી લોકો પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી ગયા હતા. થોડે આગળ જઇ લાઇટથી જોતાં લૂંટારુઓ થાંભલા પર ચડી વાયર કાપી રહ્યા હોવાનું જણાયું હતું, જેથી તેમણે ફરિયાદીને ફોન કરી બનાવની જાણ કરી હતી. ફરિયાદીએ તેમને ત્યાંથી નીકળી જવા કહ્યું હતું. બીજા દિવસે સવારના અરસામાં ત્યાં જઇ તપાસ કરાતાં આ વીજ લાઇનના થાંભલા નંબર 190થી 194 સુધીના વીજ વાયર 6000 મીટર કિંમત રૂા. 10 લાખની મતાની લૂંટ કરી લઇ જવાયા હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.