અજાપરમાં જમીન પર કબજો કરાતાં શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ
અંજાર તાલુકાના અજાપર ગામની સીમમાં એક ઇસમે મુંબઇગરાના એક આધેડની જમીન પર કબજો કરી ખેડાણ કરતાં આ શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. મુંબઇમાં રહેતા મૂળ રોહા કોટડા, તા. નખત્રાણાના ફરિયાદી કેતન રતિલાલ દેઢિયા તથા તેમના મામા-મામી વસંતલાલ રાણશી શાહ અને ભારતીબેને વર્ષ 2008માં અજાપરની સીમમાં જમીન લીધી હતી. આ ભાગીદારોએ મોહનલાલ ગંગારામ સુંબળ પાસેથી જમીન લીધી હતી. ધંધાર્થે મુંબઇ રહેતા ફરિયાદી ત્રણ વર્ષ પહેલાં પોતાની જમીન પર આવતાં જયેશ મોહનલાલ સુંબળે જમીન પર કબજો કરી ત્યાં ખેડાણ કર્યું હતું. વારંવાર તેને જમીન ખાલી કરવાનું કહેવા છતાં તે જમીન ખાલી કરતો ન હતો. દરમ્યાન ફરિયાદીએ જિલ્લા સમાહર્તા સમક્ષ લેન્ડ ગ્રેબિંગની કલમો હેઠળ ફરિયાદ કરવા અરજી કરી હતી, ત્યાંથી લીલીઝંડી મળતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.