નખત્રાણાના જડોદરના ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
નખત્રાણાના જડોદર (કો.)ના બનાવના ચારે વયસ્ક આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ઉપરાંત ગુનાના આરોપી મૌલાના ગુલામ હુસેન જાફરના રહેણાકની ઝડતીમાં છરી-છરા મળી આવતાં જાહેરનામા ભંગ હેઠળ નો વધુ એક ગુનો દાખલ થયો હતો. નખત્રાણાના જડોદર (કો.)માં ગત તા. 7/9થી 10/9 દરમ્યાન બનેલા બનાવ અંગે નખત્રાણા પોલીસ મથકે મહેશપુરી રામપુરી ગોસ્વામી (રહે. જડોદર (કો.)એ આરોપી મૌલાના ગુલામ હુસેન જાફર, આસીફ સુમાર પઢિયાર, સાહિલ રમજાન મંધરા, મામદ હનીફ જુણસ મંધરા તથા ચાર સગીર બાળક (રહે. તમામ જડોદર-કો.) વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ ગામના મંદિરના શિખર ઉપર અન્ય ધર્મના રંગની ધજા લગાવી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરોએ ગણેશની મૂર્તિને પથ્થર મારી ખંડિત કરી બે કોમ વચ્ચે દુશ્મનાવટ અને દ્વેષની લાગણી ઉદભવે તેવું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને પકડી પડ્યા હતા. નખત્રાણાના પીઆઈ અશોક મકવાણાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, જડોદરના બનાવના ચાર સગીરને રાજકોટ રિમાન્ડ હોમમાં મોકલી દેવાયા હતા અને ચાર વયસ્ક આરોપીઓને નખત્રાણાની કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતાં બે દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રહ્યા છે. બીજી તરફ આ ગુનાના આરોપીઓ પૈકીના મૌલાના ગુલામ હુસેન જાફર (મૂળ નેત્રા હાલે જડોદર-કો.) જે મદરેસાના મકાનમાં રહે છે તેની ઝડતી લેવાતાં મદરેસાના રૂમમાંથી એક છરી અને બે છરા મળી આવતાં હથિયારબંધીના જાહેરનામા ભંગ બદલ તેના વિરુદ્ધ વધુ એક ગુનો નખત્રાણા પોલીસે દાખલ કર્યો હતો.