મેઘપર બોરીચીમાં 4 માસ પહેલાં ઘરફોડ ચોરી કરનાર બે નેપાળી તસ્કર ઝડપાયા

અંજાર તાલુકાના મેઘપર બોરીચી સીમમાં આવેલી ગેલેક્સી વીલા સોસાયટીમાં ટ્રાન્સપોર્ટરના બંધ ઘરના તાળા તોડી ચાર માસ પહેલાં રૂ.1.23 લાખના દાગીના ચોરી કરનાર બે નેપાળી આરોપીને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે નર્મદા કેનાલ પાસે બેઠા હતા ને પકડી લઈ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. એલસીબી પીઆઇ એન.એન. ચુડાસમાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન મેઘપર બોરીચી સીમમાં આવેલી ગેલેક્સી વીલા સોસાયટીના બંધ ઘરમાંથી ચોરીને અંજામ આપનાર આરોપી હાલે મેઘપર બોરીચીમાં આવેલી ઓધવ રેસિડેન્સી -2 પાછળ આવેલી નર્મદા કેનાલ ઉપર બેઠા છે. આ બાતમીના આધારે તે જગ્યાએ જઈ બેઠેલા આરોપીઓને કોર્ડન કરી ઘરફોડ ચોરીને અંજામ આપનાર નેપાળી ભીમ બહાદુર માનબહાદુર શાહી અને હિમાલ મનબહાદુર શાહીને પકડી લઇ આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો.આ ગેલેક્સી વીલા સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર સંચુકુમાર મોન્દ્રીકાભાઈ પ્રસાદે તા.16 મે 2024 ના અંજાર પોલીસ મથકે આ ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તા.21/4 થી તા.13/5 દરમિયાન તેઓ પરિવાર સાથે પોતાના વતન બીહાર ગયા હતા તે સમયગાળામાં તસ્કરોએ 1.23 દાગીનાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.